Western Times News

Gujarati News

પોલીસ કર્મચારીઓ કોરોના રિપોર્ટ કરનારના ખભા પર બંદૂક રાખીને ફોડે છે

પ્રતિકાત્મક

જાહેરનામા ભંગના કેસની આડમાં પોલીસનો ‘કટકી’નો વ્યવહાર

અમદાવાદ, કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ જ્યાં પણ કટકી (ટેબલ નીચેની આવક) કરવાનો મોકો મળે ત્યારે કોઇ પણ પરિસ્થિતિ જાેયા વગર કટકી કરીને પોતાનું ખિસ્સું ગરમ કરી લેતા હોય છે. હાલ કોરોના વાઇરસના કેસોમાં વધારો થતાં રાતના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી શહેરમાં કર્યુ છે ત્યારે જાહેરનામા ભંગના કેસો કરવાની આડમાં પોલીસ નાની-મોટી કટકી કરી રહ્યા છે અને જે લોકો કટકી આપવાની ના પાડે તેમને આખી રાત પોલીસ સ્ટેશનમાં ગુજારવી પડે છે.

રાતના નવ વાગે એટલે પોલીસ અચાનક એક્શન મોડમાં આવી જાય છે અને થોડાક સમય પૂરતા અધિકારીઓને ખુશ કરવા માટે ઠેર ઠેર રોડ પર બંદોબસ્ત ગોઠવી કડક કરફ્યુનું પાલન થાય છે તેવું ચિત્ર ઊભું કરે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી તેમજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ બાદ શહેરમાં કોરોના બ્લાસ્ટ થયો છે.

ખાલી અમદાવાદમાં નહીં, પરંતુ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં એકદમ ઉછાળો જાેવા મળ્યો છે ત્યારે રાતના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કરફ્યુ જાહેર કરી દેવામાં આવ્યો છે. નવ વાગ્યાનો ટકોરો થાય એટલે શહેરીજનો પોતપોતાના ઘરે જતા રહે છે ત્યારે પોલીસ કર્મચારીઓ રોડ પર આવી જાય છે.

નવ વાગ્યા પછી મેડિકલ ઇમર્જન્સી સિવાય કોઇ વ્યક્તિ બિનજરૂરી બહાર નીકળે તો જાહેરનામા ભંગની ફરિયાદ પોલીસ નોંધે છે. જાહેરનામા ભંગની ફરિયાદ નહીં નોંધવા તેમજ ફરિયાદ દાખલ થયા બાદ વહેલા પોલીસ સ્ટેશનથી જામીન મળી જાય તે માટે પોલીસે કટકીનો વ્યવહાર શરૂ કર્યો છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર ડીસીપી ઝોન-૨ના અંડરમાં આવેલા એક પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગના કેસમાં ધરપકડ કરાયેલા એક યુવકને વહેલા જામીન થઇ જાય તે માટે પોલીસે ૨૫ હજાર રૂપિયા માગ્યા હોવાનો આરોપ છે.

વેપારી પોણા નવ વાગ્યે પાનનો ગલ્લો બંધ કરી રહ્યો હતો ત્યારે દારૂ પીધેલી હાલતમાં એક પોલીસ કર્મચારી ત્યાં આવી પહોચ્યો હતો અને તેની પાસે સિગારેટ માગી હતી. યુવકે ગલ્લો ખોલીને સિગારેટ આપ્યા બાદ પોલીસ કર્મચારીએ પોલીસની ગાડી બોલાવી લીધી હતી અને યુવકની જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી હતી. ધરપકડ બાદ યુવકને પોલીસ સ્ટેશનથી વહેલા જામીન મળી જાય તે માટે એક પોલીસ કર્મચારીએ ૨૫ હજાર રૂપિયા માગ્યા હતા. રૂપિયા નહીં આપતા યુવકે આખી રાત લોકઅપમાં રહેવું પડ્યું હતું.

કોરોના ટેસ્ટ થયા બાદ જામીન મળશે: પોલીસ કર્મચારી
યુવકને વહેલો જામીન પર છોડી દેવા માટે જ્યારે ઇન્વેના પોલીસ કર્મચારીનો સંપર્ક કર્યો ત્યારે તેણે કોરોના ટેસ્ટ થયા બાદ તેને જામીન મળશે તેવું કહ્યું હતું. પોલીસ કર્મચારીએ કહ્યું હતું કે રાતે કોરોના ટેસ્ટ કરનાર કર્મચારીઓ આવતા નથી એટલે સવારે તેઓ પોલીસ સ્ટેશનમાં આવશે ત્યારે યુવકનો કોરોના ટેસ્ટ થશે. ત્યારબાદ જામીન મળશે.

એક પીએસઆઇએ નામનહીં બતાવવાની શરતે જણાવ્યું છે કે જે કેસમાં પોલીસ સ્ટેશનથી જામીન મળી જતા હોય તેવા કેસમાં કોરોના ટેસ્ટ ફરજિયાત નથી. પોલીસ ધારે તો કોરોના ટેસ્ટ કરાવ્યા વગર જામીન આપી શકે છે. આ સિવાય જાહેરનામા ભંગના કેસોમાં જરૂર નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.