અમદાવાદ મ્યુનિસિપલ ભાજપ હોદ્દેદારોએ મત વિસ્તારને સાચવ્યા

સ્ટેન્ડીંગ કમીટી ચેરમેને તેમના મત વિસ્તાર થલતેજમાં ૩૦ બેડની હોસ્પિટલની જાહેરાત કરી છે.-ભાસ્કર ભટ્ટના સરસપુરમાં પણ રોડ બ્યુટીફીકેશન માટે રૂા.પાંચ કરોડ ફાળવવામાં આવ્યા છે.
(પ્રતિનિધિ) અમદાવાદ, “ભુવો ધુણે તો નારીયેળ ઘર તરફ ફેકેં” આ કહેવતને મ્યુનિ. કોર્પોરેશનના નવનિયુક્ત હોદ્દેદારો સાર્થક કરી રહયા છે. મ્યુનિ. ચૂંટણી બાદ મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, ડે. મેયર તેમજ પક્ષ નેતા જેવા મહત્વના હોદ્દા મળ્યા બાદ સમગ્ર શહેરના વિકાસ અંગે વિચાર કરવાનો રહે છે.
પરંતુ મ્યુનિ. હોદ્દેદારોએ સુધારા બજેટમાં શહેરના બદલે તેમના વોર્ડના વિકાસ તરફ વધુ ધ્યાન આપ્યુ હોવાના સીધા આક્ષેપ થઈ રહયા છે. મ્યુનિ. કમિશ્નર દ્વારા નાણાકીય વર્ષ ર૦ર૧-રર માટે રજુ કરવામાં આવેલ ડ્રાફટ બજેટને સ્ટેન્ડીંગ કમીટીએ રૂા.પ૭૬ કરોડના સુધારા સાથે મંજુર કર્યુ છે.
મ્યુનિ. હોદ્દેદારોએ સુધારા બજેટમાં “સર્વાંગી” અને “સમતોલ વિકાસ” ના સુત્રને કોરાણે મુકયુ છે તથા હોદ્દો સંભાળ્યાના એક મહીનામાં જ “વિકાસ તો મારા વોર્ડનો જ થશે” તેવા સીધા સંકેત આપ્યા છે. મ્યુનિ. કોર્પોરેશનમાં ચાલી રહેલી ચર્ચા મુજબ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેને તેમના મત વિસ્તાર થલતેજમાં ૩૦ બેડની હોસ્પિટલની જાહેરાત કરી છે.
નોંધનીય છે કે નવા પશ્ચિમ ઝોન વિસ્તારના નાગરીકો સરકારી હોસ્પિટલોમાં સારવાર લેતા નથી. તેમ છતાં આ વિસ્તારમાં હોસ્પીટલ બનાવવા માટે રૂા.૧૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. થલતેજની સાથે સાથે જરૂરીયાતવાળા નાના ચીલોડા, હાથીજણ સર્કલ, અસલાલી જેવા વિસ્તારોમાં પણ હોસ્પીટલની કરવી જરૂરી હતી પરંતુ ચેરમેનનો પ્રથમ મહીનો અને પ્રથમ બજેટ હોવાથી શહેરની સમસ્યાઓથી સંપુર્ણ પરીચીત ન હોય તે માની શકાય તેમ છે.
પરંતુ ત્રીજી ટર્મ વાળા મેયરને પણ નાગરીકોની પ્રાથમિક જરૂરીયાતની માહિતી ન હોય તે માની શકાય તેમ નથી. ગોમતીપુર, રખિયાલ કે સરસપુર જેવા વિસ્તારોમાં પ્રદુષિત કે અપુરતા પ્રેશરથી સપ્લાય થતા પાણીની સમસ્યાથી તેઓ વાકેફ હશે તેમ માનવામાં આવે છે તેમ છતાં મેયરે રોડ બ્યુટીફીકેશન તરફ ધ્યાન આપ્યુ છે.
તેમના જુના મત વિસ્તાર અને વર્તમાન રહેણાંક વિસ્તારમાં ત્રિકમલાલ ચોકથી સુહાન હોટેલ ચાર રસ્તા સુધીના રસ્તાને સેન્ટ્રલ વર્જ લાઈટીંગ કરી ક્રોકિંટ રોડ બનાવવા માટે રૂા.દસ કરોડની ફાળવણી થઈ છે. આટલા ખર્ચમાં કોઈ એક વિસ્તારમાં પાણી કે ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે છે તેવી ચર્ચા પણ ચાલી રહી છે.
મેયરના વર્તમાન મત વિસ્તારમાં નવી મ્યુનિ. સ્કુલ બનાવવા માટે પણ જાહેરાત થઈ છે જયારે ઠક્કરનગર વોર્ડમાં જ યોગા સેન્ટર અને જીમ્નેશીયમ બનાવવા પણ અલગ રકમ ફાળવણી કરવામાં આવી છે.શહેરના ડે. મેયર ગીતાબેન પટેલે તેમના વોર્ડના બદલે ઝોન વિશે વિચાર કર્યો છે પશ્ચિમ ઝોનના નવ વોર્ડ માટે અલગ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે અલગ દરખાસ્ત મંજુર થઈ છે.
નિષ્ણાંતોના મત મુજબ પશ્ચિમ ઝોન માટે અલગ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની હાલ જરૂરીયાત નથી. મ્યુનિ. ભાજપ પક્ષના નેતા ભાસ્કરભાઈ ભટ્ટના વિસ્તારમાં પણ રોડ બ્યુટીફીકેશન માટે રૂા.પાંચ કરોડ ફાળવવામાં આવ્યા છે. કાલુપુર સ્ટેશનની પૂર્વ તરફ સરસપુર તરફનો રસ્તો બનાવવા માટે આ ફાળવણી થઈ છે.
નોંધનીય છે કે ત્રિકમલાલ ચાર રસ્તાથી સુહાન હોટેલનો રોડ પણ તેમના મતવિસ્તારમાં આવી જાય છે, જયારે પક્ષના દંડક અરૂણસિંહ રાજપુતના મત વિસ્તારમાં સીનીયર સીટીઝન પાર્ક બનાવવા માટે રૂા.એક કરોડ ફાળવવામાં આવ્યા છે. આ વિસ્તારમાં પુરતા બગીચા હોવા છતાં ચાંદખેડા માટે સીનીયર સીટીઝન પાર્ક માટે જાહેરાત થઈ હોવાના આક્ષેપ થઈ રહયા છે.