SVPમાં જરૂરીયાત મુજબ કોવિડ બેડની સંખ્યામાં વધારો કરાશે
ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને વિનામુલ્યે સારવાર માટે હાલ વિચારણા નહીં; એસ.વી.પી.માં રેમડેસીવીર ઈન્જેકશન બે-ત્રણ દિવસમાં ઉપલબ્ધ થશે
(પ્રતિનિધિ) અમદાવાદ, રાજયમાં વધી રહેલા કોરોના કહેરના પગલે ગુજરાત હાઈકોર્ટ ચાર-પાંચ દિવસ કરફર્યુ લગાવી કોરોના ચેઈન તોડવા માટે સરકારને સુચન કર્યુ છે. અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસ ચિંતાજનક હદે વધી રહયા છે
શહેરમાં પાંચ એપ્રિલે કોરોનાના રેકોર્ડ બ્રેક ૭૭૩ કેસ નોધાયા હતા કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે તેમ છતાં મ્યુનિ. તંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલો સાથે અગાઉની માફક એમઓયુ કરવા કે એસ.વી.પી.ને ૧૦૦ ટકા કોવિડ હોસ્પીટલ જાહેર કરવા માટે કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી જયારે સરકારની જાહેરાત બાદ પણ એસવીપીમાં રેમડેસીવીરના ઈન્જેકશન ઉપલબ્ધ થયા નથી.
સ્માર્ટ સીટીમાં છેલ્લા ૩પ દિવસથી કોરોનાએ આતંક મચાવ્યો છે. ૧લી માર્ચે કોરોનાના માત્ર ૯૯ કેસ નોધાયા હતા જેની સામે પાંચ એપ્રિલે ૭૭૩ કેસ નોધાયા છે. કોરોનાના વધી રહેલા સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે જાહેર પરિવહન સેવા બંધ કરવામાં આવી છે તેમજ રાત્રી કરફર્યુનો અમલ થઈ રહયો છે.
પરંતુ દર્દીઓને ઝડપી અને વિનામુલ્યે સારવાર મળી રહે તે માટે ખાનગી હોસ્પિટલો સાથે કરાર (એમ.ઓ.યુ.) કરવામાં આવ્યા નથી. શહેરમાં એસ.વી.પી., સીવીલ, સોલા સીવીલ સહીતની સરકારી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ માટે ત્રણ હજાર બેડ ઉપલબ્ધ છે જેના કારણે મ્યુનિ. અધિકારીઓને વિનામુલ્યે સારવાર માટે કરાર કરવા યોગ્ય લાગી રહયા નથી.
મેડીકલ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત એસ.વી.પી. હોસ્પિટલમાં કુલ ૧૦૦૦ પથારી છે જે પૈકી કોરોના દર્દીઓ માટે પ૦૦ બેડ રીઝર્વ રાખવામાં આવ્યા છે. મ્યુનિ. ડે. કમિશ્નર (હેલ્થ) ર્ડા. ઓમપ્રકાશના જણાવ્યા મુજબ જરૂરીયાત મુજબ એસ.વી.પી.માં કોવિડ બેડમાં વધારો થઈ શકે છે. પરંતુ હોસ્પીટલને ૧૦૦ ટકા “કોવિડ” દર્દીઓ માટે રીઝર્વ કરવી મુશ્કેલ છે.
શહેરમાં દૈનિક ૧ર હજાર જેટલા કોરોના ટેસ્ટ થઈ રહયા છે. જેની સામે ર૦ હજાર કરતા વધુ નાગરીકોને વેકસીન આપવામાં આવે છે. શહેરમાં પાંચ લાખ કરતા વધુ નાગરીકોએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો છે. જયારે એક લાખ નાગરીકોએ બીજાે ડોઝ પણ લઈ લીધો છે. શહેરના ૯૦ હજાર હેલ્થ વર્કર, પ૦ હજાર ફ્રન્ટલાઈન વર્કર તેમજ ૪ લાખ રપ હજાર નાગરીકો મળી પ લાખ ૬પ હજાર નાગરીકોએ પ્રથમ ડોઝ લીધો છે.
અમદાવાદ શહેરમાં પુરતી સંખ્યામાં સરકારી બેડ ઉપલબ્ધ છે જયારે ખાનગી હોસ્પિટલોમાં આસપાસના જિલ્લામાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવી રહયા છે જેના કારણે ખાનગી હોસ્પિટલોમાં બેડની અછત જાેવા મળે છે. શહેરના નાગરીકોને હાલાકી ન થાય તે માટે અગાઉની માફક સરકારી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવી રહયા છે.
સમરસ કોવિડ કેર બુધવારથી શરૂ થઈ શકે છે. રેમડેસીવીર ઈન્જેકશન માટે જાહેરાત કરવામાં આવી છે. પરંતુ સરકાર તરફથી જથ્થો ઉપલબ્ધ થયો ન હોવાથી જાહેરાતનો અમલ થઈ શકયો નથી. આગામી બે-ત્રણ દિવસમાં રેમડેસીવીરનો જથ્થો ઉપલબ્ધ થાય તેવી આશા છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.