દેશમાં કોરોનાનું વિકરાળ સ્વરુપ, ૩ દિવસમાં બીજીવાર ૧ લાખને પાર
નવી દિલ્હી: દેશમાં વધી રહેલા કોરોના કહેર વચ્ચે મંગળવારે ભારતમાં કોરોના સંક્રમણે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. મંગળવારે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૮ લાખને પાર કરી ગઈ છે. જે છેલ્લા બે જ દિવસમાં ૭લાખ પરથી વધીને ૮ લાખને પાર થઈ છે. આ આંકડા કોરોના મહામારી શરું થઈ ત્યારથી અત્યાર સુધીમાં એક્ટિવ કેસ સૌથી ઝડપી ૧ લાખ કેસનો વધારો છે. જેમાં એકલા મંગળવારે જ રેકોર્ડ નોંધાવતા ૫૪૦૦૦ એક્ટિવ કેસ આવ્યા છે. આ પહેલા સૌથી ઝડપી એક્ટિવ કેસ મામલે ૧ લાખ કેસ ૩ દિવસમાં નોંધાયા હતા. આ બંને રેકોર્ડ મહામારીની આ બીજી લહેરમાં જ નોંધાયા છે.
આ સાથે જ મંગળવારે દૈનિક નવા કોરોના કેસ મામલે પણ નવો રેકોર્ડ બન્યો છે. મંગળવારે એક દિવસમાં ૧,૧૫,૨૪૯ કોરોના કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના સૌથી વધુ ગત રવિવારે નોંધાયેલા ૧,૦૩,૮૪૪ કરતા ઘણા વધારે છે. ભારત અમેરિકા બાદ બીજાે એવો દેશ છે જ્યાં કોરોનાના એક દિવસમાં ૧ લાખ કરતા વધારે કેસ નોંધાયા હોય. આ ઉપરાંત વાયરસના કારણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૩૦ લોકોના મોત નોંધાયા છે. જે દેશમાં ૫ નવેમ્બર બાદથી સૌથી મોટો આંકડો છે. દેશમાં કોરોના મહામારીની બીજી લહેર વધુ ખતરનાક સાબિત થઈ રહી છે. આ લહેર શરું થઈ
તેના ૨૪ દિવસમાં જ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૨ લાખથી વધીને ૮ લાખની ઉપર પહોંચી ગઈ છે. આ જ સ્થિતિ પહેલી લહેર દરમિયાન ૬૬ દિવસે આવી હતી. મંગળવારે દેશના કુલ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પૈકી ૧૬ રાજ્યોમાં ગત વર્ષે ડિસેમ્બર બાદ તેમના અત્યાર સુધીના સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. છત્તિસગઢ દેશના એ ત્રણ રાજ્યોમાં છે જ્યાં એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા હોય. અહીં મંગળવારે એક દિવસમાં ૯૯૨૧ કોરોના કેસ નોંધાયા હતા. જે સાથે બીજી લહેર દરમિયાન મહારાષ્ટ્ર પછી એક દિવસમાં ૯૦૦૦ કેસનો માર્ક પાર કરનાર બીજુ રાજ્ય બન્યું છે. જે બાદ મધ્ય પ્રદેશમાં ૩૭૨૨ અને પછી ગુજરાતમાં ૩૨૮૦ નવા કોરોના કેસ મંગળવારે નોંધાયા છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો દેશમાં સૌથી વધુ કોરોનાગ્રસ્ત કોઈ રાજ્ય હોય તો તે મહારાષ્ટ્ર છે.
અહીં મંગળવારે પણ સૌથી વધુ ૫૫,૪૬૯ કોરોના કેસ નોંધાયા હતા. જે ગત રવિવારના ૫૭,૦૦૦ બાદ બીજા નંબરનો સૌથી વધુ મોટો આંકડો છે. આ સાથે જ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક દિવસમાં ૧૦,૦૪૦ કેસ નોંધાયા છે. જે શહેર માટે અત્યાર સુધીનો બીજા નંબરનો સૌથી મોટો આંકડો છે. તેવી જ રીતે કર્ણાટકમાં પણ ૬૧૫૦ નવા કોરોના કેસ નોંધાયા છે જે ઓક્ટોબર ૨૦૨૦ બાદ રાજ્ય માટે સૌથી વધુ છે. તો ઉત્તરપ્રદેશમાં પણ ૫૯૨૮ કેસ નોંધાયા છે. જે સપ્ટેમ્બર ૨૦૨૦થી અત્યાર સુધીમાં રાજ્ય માટે મોટો આંકડો છે. તો દિલ્હીમાં ૨૭ નવેમ્બર બાદથી સૌથી વધુ ૫૧૦૦ કેસ મંગળવારે નોંધાયા છે. દેશમાં કોરોનાની મોતની વાત કરવામાં આવે તો કુલ ૬૩૦ મૃત્યુ પૈકી ૨૯૭ મોત એકલા મહારાષ્ટ્રમાં નોંધાયા છે. તેવી જ રીતે પંજાબમાં ૬૨, છત્તિસગઢમાં ૫૩, કર્ણાટકમાં ૩૯ અને ઉત્તર પ્રદેશમાં ૩૦ કેસ નોંધાયા છે.