નર્મદાની જળ સપાટી વધતા કૃત્રિમ જળકુંડને બદલે ઝાડેશ્વરના તટે વિસર્જન
દિવાસાના દિવસથી ભરૂચનું આતિથ્ય માણી રહેલા મેઘરાજાની ભવ્ય વિસર્જન શોભાયાત્રા સાથે વિદાય -શ્રધ્ધાળુઓના સાગર અને વરસાદી માહોલ વચ્ચે વિદાય
ભરૂચ, દિવાસાના દિવસથી ભરૂચનું આતિથ્ય માણી રહેલા મેઘરાજાની ભવ્ય વિસર્જન શોભાયાત્રા નીકળી હતી જે સાથે મેળાનું પણ સમાપન થયું હતું નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા કુત્રિમ જળકુંડ ને બદલે જાડેશ્વર ના નર્મદા તટે મેઘરાજાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવનાર હતું.
૨૦૦ કરતાં વધુ વર્ષોથી ભરૂચના ભોઈ સમાજ દ્વારા દિવાસાના દિવસે મેઘરાજાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે જેઓનું પૂજન-અર્ચન કરવા સાથે શ્રાવણ વદ સાતમથી દશમ સુધી મેળાનું પણ આયોજન થયું હતું.
છડી નોમ ના દિને ધોળીકુઈ બજારમાં રાત્રી મુકામ કર્યા બાદ છડી નું પુનઃભોઈવડ માં આગમન થતા મેઘરાજાની વિસર્જન શોભાયાત્રા નીકળી હતી.જે સોનેરી મહેલ ખાતે મેળાના દર્શન કરી મેઘરાજાની શાહી સવારી ચકલા હાજીખાના બજાર થઈ નિયત રૂટ પર નીકળી હતી.
માર્ગ માં બંને તરફ અને ઉપર-નીચે તમામ સ્થળે ચિક્કાર માનવમેદની અને બાળકોને મેઘરાજાને બેસાડવા શ્રદ્ધાળુઓના સાગર વચ્ચે મેઘરાજાની વિસર્જન શોભાયાત્રાને પ્રસ્થાન કર્યું હતું.
નર્મદા ની જળ સપાટી માં ઉપરવાસમાંથી છોડવામાં આવેલ પાણીના કારણે વધારો થતાં ગોલ્ડનબ્રિજ પાસે નર્મદા નદીના પટમાં બનાવાયેલ કુત્રિમ જળકુંડ માં મેઘરાજાની પ્રતિમાનું વિસર્જન કરવાનો વિચાર પડતો મુકી ઝાડેશ્વર ગામ ના નર્મદા તટે વિસર્જન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.તેના પગલે મેઘરાજાને વિસર્જન શોભાયાત્રા ઝાડેશ્વર તરફ જવા રવાના થઈ હતી.