25 દિવસ લાંબી પ્રતિકાત્મક ‘દાંડી કૂચ’ રંગારંગ કાર્યક્રમ સાથે સંપન્ન થઇ
‘આઝાદીનો અમૃત મહોત્સવ’ના ભાગરૂપે યોજવામાં આવી હતી- શ્રી એમ. વેંકૈયા નાયડુએ દાંડીમાં મીઠાની કૂચને ઇતિહાસમાં પરિવર્તન લાવી દેનારી ‘જળવિભાજક ક્ષણ’ ગણાવી
પ્રતિકાત્મક દાંડી યાત્રા આપણી આત્મનિર્ભરતા અને આત્મ-સન્માનની સફરને પુનરુર્જિત કરે છે: શ્રી પ્રહલાદસિંહ પટેલ
‘આઝાદીના અમૃત મહોત્સવ’ના ભાગરૂપે યોજવામાં આવેલી 25 દિવસ લાંબી સ્મૃતિરૂપ ‘દાંડી પદયાત્રા’ આજે ગુજરાતમાં દાંડી ખાતે આવેલા રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકની નજીકમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુની નિશ્રામાં યોજવામાં આવેલા એક રંગારંગ કાર્યક્રમ સાથે સંપન્ન થઇ હતી. આ કાર્યક્રમનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, સિક્કિમના મુખ્યમંત્રી શ્રી પ્રેમસિંહ તમાંગ, કેન્દ્રીય પર્યટન અને સાંસ્કૃતિક રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી પ્રહલાદસિંહ પટેલ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ, સાંસદ શ્રી સી.આર. પાટીલ, ઉપરાષ્ટ્રપતિના સચિવ શ્રી આઇ.વી. સુબ્બારાવ, સાબરમતી આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી સુદર્શન આયંગર સહિત અન્ય મહાનુભાવો પણ આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે સંબોધન આપતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીની આઇકોનિક દાંડી મીઠાની કૂચ આપણી સ્વતંત્રતાના સંગ્રામમાં એક જળવિભાજક ક્ષણ હતી. તેમણે જણાવ્યું હતું કે, આ પદયાત્રાએ ઇતિહાસની દિશા બદલી નાંખી હતી. તેમણે કહ્યું હતું કે, “દાંડી કૂચ આપણે જ્યારે પડકારોનો સામનો કરતા હોઇએ ત્યારે વખતે એકજૂથ થઇને રહેવાના આપણા રાષ્ટ્રના સામર્થ્યને સૂચિત કરે છે.”
ઉપરાષ્ટ્રપતિએ દરેક લોકોને મહાત્મા ગાંધીના જીવનમાંથી પ્રેરણા લેવા માટે કહ્યું હતું, જેમણે હંમેશા તેમના વિરોધી સામે પણ વિનમ્ર અને આદરપૂર્ણ ભાષાનો જ ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “ગાંધીજીનો અહિંસાનો સિદ્ધાંત માત્ર શારીરિક હિંસા પૂરતો સીમિત નથી પરંતુ તેમાં શબ્દો તેમજ વિચારોમાં પણ અહિંસા સમાયેલી છે”.
ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 12 માર્ચ 2021ના રોજ સાબરમતી આશ્રમ ખાતેથી ‘આઝાદીનો અમૃત મહોત્સવ’નો શુભારંભ કર્યો હતો જે 75 અઠવાડિયા સુધી ચાલનારી ઉજવણી છે. આ મહોત્સવ દરમિયાન છેલ્લા 75 વર્ષમાં ભારતે જે ઝડપી વેગે પ્રગતિ કરી છે તેની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આ મહોત્સવ આપણને આપણામાં છુપાયેલી તાકતને ફરી શોધવા માટે પ્રોત્સાહિત કરે છે અને આપણા રાષ્ટ્રના સૌહાર્દમાં આપણું યોગ્ય સ્થાન ફરી મેળવવા માટે નિષ્ઠાપૂર્ણ, તાલમેલપૂર્ણ કાર્યો કરવા માટે સૂચિત કરે છે.
આ પ્રસંગે સંબોધન આપતા, સંસ્કૃતિ અને પર્યટન રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી પ્રહલાદસિંહ પટેલે જણાવ્યું હતું કે, 91 વર્ષ પહેલાં, મહાત્મા ગાંધીએ દેશમાં આત્મનિર્ભરતા અને આત્મ-સન્માન માટે જાગૃતિ ફેલાવવાની સફરનો પ્રારંભ કર્યો હતો અને હવે 91 વર્ષ પછી 12 માર્ચના રોજ શરૂ થયેલી પ્રતિકાત્મક દાંડી કૂચ એ આત્મનિર્ભરતા અને આત્મ-સન્માનની સફરને પુનરુર્જિત કરે છે. જોકે, આ સફર અહીં પૂરી નથી થતી, આ તો આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ છે.
મંત્રીશ્રીએ એમ પણ કહ્યું હતું કે, આ ઐતિહાસિક યાત્રાનું પુનરાવર્તન કરવાનો ઉદ્દેશ્ય યુવા પેઢીને એ જણાવવાનો હતો કે, કેવી રીતે આપણી પેઢીએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી. તેમણે આ યાત્રામાં પોતાની સાથે જોડાનારા 7 મંત્રીઓ, 11 ધારાસભ્યો અને 121 લોકો પ્રત્યે કૃત્યજ્ઞતાની ભાવના વ્યક્ત કરી હતી.
શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, દરેક નાગરિકની જવાબદારી છે કે, આને એક જન મહોત્સવ બનાવવામાં આવે જેના દ્વારા વિશાળ જનસમુદાય અમૃત મહોત્સવમાં ભાગીદાર બને. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, મને લાગે છે કે, દેશની સ્વતંત્રતાના 75 વર્ષના મહોત્સવની ઉજવણી કરવાની સાચી રીત આ જ છે.
શ્રી પ્રહલાદસિંહ પટેલે વધુમાં કહ્યું હતું કે, આજે ભારત વૈશ્વિક તાકાત સાથે તાકાત મિલાવીને આગળ વધી રહ્યું છે જેનું દૃષ્ટાંત આપણે દુનિયાને આપેલા કોરોના રસીકરણ દ્વારા મળી ગયું છે. આ બાબતે ગૌરવની લાગણી વ્યક્ત કરાત તેમણે કહ્યું હતું કે, ખૂબ જ ટૂંક સમયમાં આપણું રાષ્ટ્ર વિશ્વ ગુરુ તરીકે નેતૃત્ત્વ સંભાળશે.
દિવસની શરૂઆતમાં, ઉપરાષ્ટ્રપતિએ પ્રાર્થના મંદિર ખાતે ગાંધીજીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી અને સ્મૃતિરૂપ દાંડી કૂચમાં ભાગ લેનારા તમામ સહભાગીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે સૈફી વિલાની પણ મુલાકાત લીધી હતી જ્યાં ગાંધીજીએ 4 એપ્રિલ 1930ના રોજ રાત્રિ રોકાણ કર્યું હતું. આ પછી, શ્રી નાયડુએ રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકની મુલાકાત લીધી હતી. આ સ્મારક મીઠાના સત્યાગ્રહમાં ભાગ લેનારા તમામ એક્ટિવિસ્ટ્સ અને સહભાગીઓની સ્મૃતિમાં બાંધવામાં આવ્યું છે.