સુરતમાં લિવઈનમાંથી રહેતી યુવતીએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી
સુરત: સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં લિવઈનમાંથી રહેતી યુવતીએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જેની સાથે રહેતી તે પ્રેમી અને પ્રેમીના માતા-પિતા વિરુદ્ધ યુવતીના પિતાએ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.
સાવરકુંડલા વિસ્તારમાં રહેતા મનજીભાઈ( નામ બદલ્યું છે)ની દીકરો રોશની( નામ બદલ્યું છે) ૬ વર્ષ પહેલા પ્રેમી સત્યમ મગન વસોયા સાથે નાસી ગઈ હતી. ત્યારબાદ સત્યમ સાથે મૈત્રી કરાર કરીને રહેવા લાગી હતી. તે સમયે ત્રણેક મહિના બાદ રોશની પિતાના ઘરે આવી હતી. તે સમયે સત્યમે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં રોશની અને તેના પિયરિયાઓ વિરુદ્ધ અરજી કરી હતી.
ત્યારે રોશનીએ સત્યમ સાથે જવાની ના પાડી હતી. તે સમયે સત્યમે પોલીસ સ્ટેશનમાં ધમકી આપી હતી કે રોશની સાથે ન આવે તો બે લાખ રૂપિયા આપવા પડશે.તેથી રોશની સત્યમ સાથે રહેવા તૈયાર થઈ હતી.
સત્યમ રોશનીને લઈને કાપોદ્રા વિસ્તારમાં આવીને રચના સોસાયટીમાં રહેવા લાગ્યો હતો. ત્યારબાદ રોશનીના પિયરિયાઓનો રોશની સાથે સંપર્ક થઈ શક્યો નહતો. ૬ વર્ષ બાદ ૪ એપ્રિલના રોજ રોશનીએ ઘરમાં ફાંસો ખાઈ લીધો હતો. તેની જાણ પણ સત્યમે રોશનીના પિતાને કરી ન હતી.
કાપોદ્રા પોલીસે રોશનીના પિતાને જાણ કરતા તેઓ સુરત આવ્યા હતા. અહીં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મનજીભાઈએ રોશનીનો પ્રેમી સત્યમ,સત્યમના પિતા મગનભાઈ અને માતા ગીતાબેન વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.