લગ્ન પહેલા દુલ્હાને ખબર પડી કે દુલ્હન તેની બહેન છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/1-scaled.jpg)
બેઇજિંગ: ચીનમાં એક ગજબનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો તમને ખુશી આપવાની સાથે સાથે પરેશાન પણ કરી શકે છે. અહીં એક પરિવારની દીકરી વર્ષો પહેલા ગુમ થઈ ગઈ હતી. હવે માલુમ પડ્યું છે કે, પરિવારનો દીકરો જે છોકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે તે હકીકતમાં પરિવારની વર્ષો પહેલા ગુમ થયેલી દીકરી છે. આ અંગે ખુલાસો થયા બાદ તમામ લોકો આશ્ચર્યમાં છે. જાેકે, છોકરાની માતાએ બંનેનાં લગ્નની મંજૂરી આપી દીધી છે.
જાણીએ શું છે આખો મામલો. આ કેસ ૩૧મી માર્ચનો છે. ચીનના જિયાંગસુ પ્રાંતના સુઝૂમાં એક લગ્ન કાર્યક્રમ ચાલી રહ્યો હતો. અહીં દુલ્હાની માતાએ દુલ્હનના હાથ પર એક નિશાન જાેયું હતું. આ નિશાન એવું જ હતું જેવું વર્ષે પહેલા ગુમ થયેલી તેની દીકરીના હાથમાં હતું. જ્યારે દુલ્હાની માતાએ આ અંગે વધારે તપાસ કરી ત્યારે માલુમ પડ્યું કે દુલ્હને તેની વર્ષો પહેલા ગુમ થયેલી દીકરી જ છે. આ વાત જાણીને માતા અને દીકરી બંને રડવા લાગ્યા હતા.
દુલ્હનના હાથ પર નિશાન જાેયા બાદ દુલ્હાની માતા છોકરીના પરિવારને મળી રહતી. તેણીએ બાળકીને દત્તક લેવા વિશે પૂછપરછ કરી હતી. મહિલાની આવી વાત સાંભળીને છોકરીનો પરિવાર પણ હેરાન હતો, કારણ કે તેમણે આટલા વર્ષે સુધી છોકરીને દત્તક લેવાની વાત છૂપાવી રાખી હતી. રિપોર્ટ્સ પ્રમાણે પરિવારે જણાવ્યું કે, તેમને રસ્તા પરથી આ બાળકી મળી આવી હતી. જે બાદમાં પરિવારે બાળકીને દત્તક લઈ લીધી હતી.
આ તમામ વાતનો ખુલાસો થયા પછી સવાલ ઉઠ્યો કે લગ્નનનું શું? છોકરી એ વાત જાણીને પરેશાન હતી કે તેણી તેના મોટાભાઈ સાથે લગ્ન કરવા જઈ રહી છે. જાેકે, બાદમાં મહિલાએ પણ ખુલાસો કર્યો હતો કે દીકરી ગુમ થઈ ગયા બાદ તેણીએ એક દીકરાને દત્તક લીધો હતો. એટલે કે બંને બાયોલોજિકલ ભાઈ-બહેન નથી. આ રીતે બંનેનના લગ્નની મંજૂરી મળી હતી. ચીનના મીડિયાના જણાવ્યા પ્રમાણે પોતાની ગુમ થયેલી છોકરી પરત મળશે તેની તમામ આશા ધૂંધળી બન્યા બાદ મહિલાએ એક બાળકને દત્તક લીધો હતો. આ તે જ બાળકો હતો.