Western Times News

Gujarati News

આનંદનગરમાંથી બિલ્ડરનું અપહરણ અને છુટકારો

ખંડણીખોરોએ અપહરણ કરી રૂ.પ કરોડની ખંડણી માંગીઃ પોલીસે ફોન ટ્રેસ કરી ત્રણ આરોપીઓને ઝડપી લઈ બિલ્ડરને છોડાવ્યા

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કથળતી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ  સુધારવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સઘન કવાયત શરૂ કરાઈ છે અને સ્થાનિક પોલીસને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે શહેરભરમાં નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવાયું છે આ ઉપરાંત વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા માટેનો પણ પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે

આ પરિસ્થિતિમાં શહેરના આનંદનગર વિસ્તારમાં એક વહેપારીને છેલ્લા કેટલાક સમયથી ખંડણીખોરો ફોન કરીને રૂ.પ કરોડની ખંડણી માંગતા વહેપારી અને તેનો પરિવાર ફફડી ઉઠયો હતો આખરે પોલીસની મદદ માંગવામાં આવતા આનંદનગર પોલીસે છટકુ ગોઠવી ત્રણ જેટલા ખંડણીખોરોને આબાદ રીતે ઝડપી લીધા હોવાનું જાણવા મળી રહયું છે આ અંગે સઘન તપાસ ચાલી રહી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગુનેગારોને મોકળુ મેદાન મળેલુ છે જેની સામે હવે પોલીસતંત્ર પણ એલર્ટ થઈ રહયું છે શહેરમાંથી દારૂ-જુગારની બદીને ડામી દેવા માટે વ્યાપક દરોડા પાડવામાં આવી રહયા છે બીજીબાજુ ચોરી, લુંટફાટની વધતી જતી ઘટનાઓના પગલે સમગ્ર શહેરમાં સઘન પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યુ છે

તેમ છતાં ચોરી લુંટફાટની ઘટનાઓ અવિરતપણે ઘટી રહી છે જેની સામે હવે પોલીસતંત્ર દ્વારા શકમંદો ઉપર નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં ખંડણીનું પણ એક વ્યવસ્થિત  નેટવર્ક ચાલી રહયુ છે જેની સામે પોલીસતંત્ર સાયબર સેલની મદદથી ખંડણીખોરો તથા અવનવી મોડસ ઓપરેન્ડી વાપરી નાગરિકો પાસેથી રૂપિયા પડાવતી ટોળકીઓને ઝડપી લેવા માટે કવાયત કરી રહી છે

આ પરિસ્થિતિમાં ગઈકાલે એક ચોંકાવનારી ઘટના ઘટી હતી શહેરના આનંદનગર વિસ્તારમાં એક વહેપારી પરિવાર રહે છે આ વહેપારીના ફોન પર છેલ્લા કેટલાક દિવસથી અજાણ્યો શખ્સ ફોન કરીને ધાકધમકી આપતો હતો. ખંડણીખોર શખ્સ વહેપારી પાસેથી રૂ.પ કરોડની ખંડણી માંગતો હતો અને જા ખંડણી ન આપે તો ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપવામાં આવતી હતી.

ખંડણીખોરની સતત ધમકીથી વહેપારી ગભરાઈ ગયો હતો અને સમગ્ર વાત પરિવારજનોને જણાવી હતી ખંડણીખોરના ત્રાસમાંથી મુકિત મેળવવા વહેપારીએ આખરે પોલીસની મદદ લેવાનો નિર્ણય કર્યો હતો આ દરમિયાનમાં ગઈકાલે તે ઘરની બહાર નીકળ્યો હશે ત્યારે ખંડણીખોરો આવી પહોંચ્યા હતા અને તેનું અપહરણ કરીને ઉઠાવી ગયા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ આ વહેપારીનું નામ પ્રતિક પટેલ હોવાનું જાણવા મળી રહયું છે અને તે બિલ્ડર છે બીજીબાજુ ખંડણીખોરોએ બિલ્ડરનું અપહરણ કરી તેને કારમાં ઉઠાવી ગયા હતા અને બિલ્ડરના ફોનમાંથી જ તેના પરિવારજનોને ધમકી આપી રૂ.પ કરોડ તૈયાર રાખવા જણાવ્યું હતું.

ખંડણીખોરોએ બિલ્ડરનું અપહરણ કરતા જ તેના પરિવારજનો ગભરાઈ ગયા હતા પરંતુ પરિવારજનોએ હિંમત દાખવી આનંદનગર પોલીસનો સંપર્ક સાધ્યો હતો પોલીસ અધિકારીઓ પણ બિલ્ડરના અપહરણની ઘટનાથી ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક બિલ્ડરને છોડાવવા માટે તજવીજ શરૂ કરી હતી ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પહોંચી ગયા હતા અને આરોપીઓ અંગે તપાસ શરૂ કરાઈ હતી.

બીજીબાજુ ખંડણીખોરો બિલ્ડર પ્રતિક પટેલને કારમાં ઉઠાવી જઈ અમદાવાદ શહેરની બહાર લઈ આવ્યા હતાં. બિલ્ડરના પરિવારજનો સતત પોલીસ સાથે સંપર્કમાં હતા અને ખંડણીખોરો બિલ્ડરના ફોન મારફતે જ તેના પરિવારજનો સાથે વાતચીત કરતા હતા જેના પરિણામે બિલ્ડરનો ફોન સતત ચાલુ રહયો હતો આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી પોલીસ અધિકારીઓએ તાત્કાલિક સાયબર સેલની મદદ લીધી હતી અને બિલ્ડરના ફોનને ટ્રેસીગ પર નાંખી દીધો હતો. સૌ પ્રથમ બિલ્ડરના ફોનનું લોકેશન અમદાવાદ શહેરની બહાર બતાવતુ હતું

ખંડણીખોરોએ બિલ્ડરના પરિવારજનોને રૂ.પ કરોડ આપી દેવા જણાવ્યું હતું પોલીસ અધિકારીઓએ બિલ્ડરના પરિવારજનોને હિંમત આપી છટકુ ગોઠવ્યુ હતું અને પ કરોડ આપવા માટેની તૈયારી બતાવી હતી અને ખંડણીખોરોને નિયત કરેલા સ્થળે બોલાવ્યા હતાં.
ખંડણીખોરો બિલ્ડરના પરિવારની વાતમાં આવી ગયા હતા અને મોડી રાત્રે તેઓ બિલ્ડરને કારમાં લઈ અમદાવાદ તરફ આવવા નીકળ્યા હતા

બીજીબાજુ બિલ્ડરનો ફોન ટ્રેસીંગ પર હોવાથી ખંડણીખોરની  તમામ મુવમેન્ટ પર નજર રાખવામાં આવતી હતી. બિલ્ડરના ફોનના લોકેશનના આધારે આનંદનગર પોલીસે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્લાન ઘડી કાઢયો હતો

બીજીબાજુ બિલ્ડરના પરિવારજનો પણ બેગ ભરીને તૈયાર થઈ ગયા હતા અને તેમની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ જાડાયા હોવાનું જાણવા મળી રહયું છે.

બિલ્ડરના અપહરણ બાદ ખંડણીખોરો રૂ.પ કરોડ લેવા માટે રાત્રિના સમયે અમદાવાદ પરત આવ્યા હતા જાકે તે પહેલા જ પોલીસની જુદી જુદી ટીમો સતર્ક બની ગઈ હતી અને ગણતરીના કલાકોમાં જ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરી નાંખવામાં આવ્યો હતો. ખંડણીખોરો રૂપિયા લેવા અમદાવાદમાં પ્રવેશતા જ પોલીસની ટીમોએ તેની કારને ઘેરી લીધી હતી અને કારમાંથી ત્રણ અપહરણકારોને ઝડપી લઈ બિલ્ડર પ્રતિક પટેલનો હેમખેમ છુટકારો કરાવ્યો હતો. બિલ્ડરને હેમખેમ જાઈ તેના પરિવારજનો ખુશખુશાલ થઈ ગયા હતાં.

સમગ્ર ઓપરેશન ખૂબ જ ગુપ્તરાહે પાર પાડવામાં આવ્યું હતું અને ત્રણેય આરોપીઓની સઘન પુછપરછ કરવામાં આવતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે હાલમાં ત્રણેય આરોપીઓની પુછપરછ ચાલી રહી છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાક્રમ બપોર બાદ જાહેર કરવામાં આવશે તેવુ જાણવા મળી રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.