કોરોનાએ ફરીવાર ઉપાડો લેતાં સિવિલમાં એમ્બ્યુ.નો ધમધમાટ
સિવિલને સેનેટાઈઝ, કથા કરી સિવિલમાં ફરી કામકાજ શરૂ કર્યું હતું પણ ફરીથી ગત વર્ષ જેવી જ વિષમ સ્થિતિ
અમદાવાદ, હજુ દોઢેક મહિના પહેલા જ અમદાવાદની નવી ૧૨૦૦ બેડ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કોરોનાના દર્દીઓની સંખ્યા સાવ નહીવત થઈ ગઈ હતી. સ્થિતિ કાબૂમાં આવી ગઈ છે તેવું માનીને સરકારે આ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને એડમિટ કરવાનું પણ બંધ કરી દીધું હતું.
આખીય બિલ્ડિંગને સેનેટાઈઝ કરી તેમાં ગર્ભવતી મહિલા અને બાળકોને ફરી એડમિટ કરવાનું શરુ કરાયું હતું. હોસ્પિટલના સ્ટાફે કથા રાખીને ફરી કામકાજ શરુ કર્યું હતું, પરંતુ ગણતરીના દિવસોમાં જ અહીં ફરી એવા દ્રશ્યો જાેવા મળી રહ્યા છે, જે ગયા વર્ષની યાદ અપાવી રહ્યા છે.
આખા ગુજરાતમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના સૌથી વધુ દર્દીઓને એડમિટ કરવામાં આવ્યા છે. અહીં ૧૨૦૦ બેડની હોસ્પિટલ ઉપરાંત, સિવિલ કેમ્પસમાં આવેલી કિડની, કેન્સર તેમજ હાર્ટ હોસ્પિટલોને પણ કોરોના હોસ્પિટલમાં ફેરવી દેવાઈ છે.
શહેરમાં કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે ત્યારે અહીં લવાતા દર્દીઓની સંખ્યામાં પણ જબરજસ્ત વધારો થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલનું કેમ્પસ દિવસ-રાત એમ્બ્યુલન્સની સાયરનોથી ધમધમી રહ્યું છે. તેવામાં હોસ્પિટલમાં દર્દીઓને લઈને આવેલી એમ્બ્યુલન્સની લાંબી લાઈન દેખાતી હોય તેવો એક વિડીયો હાલ વાયરલ થયો છે. ૨૦૨૦ને પણ સારું કહેવડાવે તેવી સ્થિતિ કોરોનાના એક વર્ષ બાદ હાલ અમદાવાદમાં જાેવા મળી રહી છે.
હજુ થોડા દિવસ પહેલા તો નેતાઓ અને ડૉક્ટરો કહેતા હતા કે કેસો વધ્યા છે, પરંતુ ગંભીર દર્દીઓની સંખ્યા ઓછી છે અને મરણાંક પણ ઓછો છે. એટલું જ નહીં, મોટાભાગના દર્દીઓને હોસ્પિટલમાં એડમિટ કરવાની જરુર નથી તેવા પણ દાવા કરાઈ રહ્યા હતા. જાેકે, ગણતરીના દિવસોમાં જ જાણે આ સ્થિતિ બદલાઈ ગઈ છે, અને અત્યારે તો હાલત એવી છે કે મોટાભાગની હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવા જગ્યા નથી રહી.
માત્ર દર્દીઓને એડમિટ કરવા માટે જ નહીં, પરંતુ સિવિલમાં તો કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓના મૃતદેહ અંતિમવિધિ માટે પણ વેઈટિંગમાં જાેવા મળી રહ્યા છે. મૃતદેહોને લેવા આવેલી શબવાહિનીઓની પણ અહીં લાંબી લાઈન જાેવા મળી રહી છે. કોરોનાના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે ત્યારે સિવિલમાં સાંજની ઓપીડી પણ બંધ કરી દેવામાં આવી છે. જાે કોરોનાના કેસ આ જ ગતિએ વધતા રહ્યા, તો આગામી દિવસોમાં સિવિલમાં પણ જગ્યા નહીં રહે તેવી શક્યતાને ધ્યાનમાં રાખી સરકારે બીજી વ્યવસ્થા પણ ઉભી કરવાનું શરુ કરી દીધું છે.
અમદાવાદમાં બુધવારે ૮૦૪ નવા દર્દી નોંધાયા હતા. છેલ્લા આઠ દિવસમાં શહેરમાં ૫૫૦૦ દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, માત્ર ૧૮ જ દિવસમાં શહેરમાં રોજેરોજ નોંધાતા દર્દીઓની સંખ્યા ૪૦૧થી વધીને ૮૦૦ને પાર પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, માર્ચના મધ્ય સુધીમાં તો આખા રાજ્યમાં ૭૦૦-૮૦૦ દર્દીઓ સામે આવી રહ્યા હતા, જે સંખ્યા હવે વધીને ૩૫૦૦ થઈ ગઈ છે.