ધનવંતરી આરોગ્ય રથ દ્વારા 10.5 લાખ બાંધકામ શ્રમિકોને સારવાર અપાઈ
અમદાવાદ: ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કુલ ૩૪ ધનવંતરી રથ ચાલે છે. જેમાં માર્ચ ૨૦૧૯ સુધીમાં કુલ ૪૪,૨૧૦ બાંધકામ સાઈટો તેમજ કડિયાનાકાની મુલાકાત લઈ ત્યાં કામ કરતા આશરે ૧૦,૫૨,૫૨૮ બાંધકામ શ્રમિકોને આ સેવાનો લાભ અપાયો છે.
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અંતર્ગત ચાલતા “ધનવંતરી આરોગ્ય રથ” દ્વારા ગુજરાતમાં ચાલતી વિવિધ બાંધકામ સાઈટો અને કડિયાનાકા ઉપર બાંધકામ શ્રમિકોને સારવાર અપાય છે. ધનવંતરી આરોગ્ય રથ દ્વારા માર્ચ ૨૦૧૯ સુધીમાં કુલ ૪૪,૨૧૦ બાંધકામ સાઈટો પર કામ કરતા ૧૦,૫૨,૫૨૮ બાંધકામ દર્દીઓને આરોગ્યની સારવાર અપાઈ છે. જેમાં ૭,૧૪,૯૨૭ પુરુષો અને ૩,૩૭,૬૦૧ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. આવા રથ દ્વારા રોજની સરેરાશ આશરે ૭૫ થી ૮૦ શ્રમિકોની ઓપીડી થાય છે. જેમાં શરદી- તાવ, ચામડીનાં રોગો, અશક્તિ, શરીરના દુખાવા જેવા મુખ્ય છે. આખા ગુજરાતમાં હાલ કુલ ૩૪ ધનવંતરી આરોગ્ય રથ કાર્યરત છે જેમાં એક ડૉક્ટર, નર્સ અને બીજા બે સ્ટાફ સેવા બજાવે છે.
શ્રમ અને રોજગાર વિભાગ, અધિક મુખ્ય સચિવશ્રી, વિપુલ મિત્રાના જણાવ્યા અનુસાર આ રથનું સંચાલન GPSબેઝ્ડ હોય છે, જેમને જીલ્લાની કચેરી દ્વારા વિવિધ બાંધકામ સાઈટનો રૂટ ફાઈનલ કરી એનું સંચાલન GPSદ્વારા ચેકીંગ થાય છે. આ ઉપરાંત ભવિષ્યમાં બાંધકામ સાઈટનાં શ્રમિકોને સારી સેવા મળે એ હેતુથી સ્વાસ્થય, ન્યુટ્રીશન, સેફ્ટીની ટ્રેનીંગ આપવાની અને વ્યસન મુક્તિ માટેનાં પણ કેમ્પ “ધનવંતરી આરોગ્ય રથ” થકી ગુજરાત અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને GVK સંસ્થા દ્વારા શરૂ કરવાનું આયોજન છે.