Western Times News

Gujarati News

ગાંધીનગર સિવિલમાં મૃત ભૃણ મૂકી માતા – પરિવાર રફુચક્કર

Files Photo

લખાવેલું સરનામું પણ ખોટું નિકળ્યું-દાખલ થતા સમયે લખાવેલું સરનામું માણસાના ઈટાદરાનું હોવાથી તબીબે આ બાબતે માણસા પોલીસને જાણ કરી

ગાંધીનગર,  ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. સિવિલના ગાયનેક વિભાગમાં એક યુવતીને પ્રસુતીની પીડા ઉપડી તેવી હાલતમાં લવાયા બાદ કસુવાવડ થઈ હતી. ભૃણ મૃત હાલતમાં મૂકી યુવતી તેમજ તેના સબંધીઓ સિવિલના સ્ટાફને ચકમો આપી નાસી છૂટ્યાની ઘટના સામે આવી છે.

કસુવાવડ સમયે તબીબે લગ્ન તેમજ જન્મનો દાખલો લાવવા જણાવ્યું હતું. પરંતુ યુવતી અને સબંધીઓ કોઈ પુરાવો આપવાના બદલે સિવિલમાંથી નાસી છૂટ્યા હતા. સિવિલમાં દાખલ થતા સમયે લખાવેલું સરનામું માણસાના ઈટાદરા ગામનું હોવાથી તબીબે આ બાબતે માણસા પોલીસને જાણ કરી હતી.

બાદમાં જ્યારે પોલીસ ઈટાદરા ગામે પહોંચી ત્યારે ખબર પડી કે, ગામમાં આ નામની કોઇ યુવતી રહેતી નથી. જેથી પોલીસને પણ ખ્યાલ આવ્યો કે, આ સરનામું ખોટું લખાવવામાં આવ્યું છે. ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં એક યુવતીને અધુરા માસે પ્રસવ પીડા ઉપડતા સબંધીઓ દ્વારા યુવતીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં લાવવામાં આવી હતી . તા 4-4-2021 ના યુવતીને અધુરા માસે કસુવાવડ થવા પામી હતી.

આ સમયે તબીબ દ્વારા યુવતી અને સબંધીઓ પાસે લગ્ન અને જન્મના પુરાવવાની માંગણી કરવામાં આવી હતી. તબીબે તેના કુટુંબીજનોની પાસે યુવતીનું લગ્નનું પ્રમાણપત્ર તથા અન્ય ડોક્યુમેન્ટ માંગેલા પણ યુવતી કુંવારી હોઈ તે કાગળ આપવામાં તેના કુટુંબીજનો અસમર્થ હતા.

આ દરમિયાન યુવતી તથા સાથે આવેલા તમામ લોકો નજર ચૂકવીને સિવિલ હોસ્પિટલમાં મૃત માનવ ભૃણ મુકીને ભાગી છૂટ્યા હતા. આ બનાવથી ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના અંગે ફરજ પરના મેડિકલ ઓફિસરને જાણ થતાં માણસા પોલીસને જાણ કરી હતી અને તાબડતોડ યુવતીએ જણાવેલ નામ સરનામા પર ઈટાદરા ગામે પોલીસ પહોંચી હતી.

પરંતુ આવી કોઈ વ્યક્તિ ઈટાદરા ગામમાં રહેતી નથી તેવી હકીકત સામે આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઉલ્લેખનિય છે કે, મૃત માનવભૃણને છોડી જનાર યુવતી કોણ હતી તે કોયડો હજુ પણ વણઉકેલ્યો છે. આ બનાવ અંગે માણસા તાલુકા અને સિવિલ હોસ્પિટલમાં તરેહ તરેહની ચર્ચાઓએ જાહેર પકડ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.