અમદાવાદ સિવિલમાં એક ગાડીમાં ૫ થી ૭ કોરોના દર્દીઓ હવે આવી રહ્યાં છે
અમદાવાદ, અમદાવાદના રસ્તાઓ પર સતત દોડતી એમ્બ્યુલન્સના સાયરનથી લોકોના ધબકાર વધી જાય છે. કોઈ પણ રસ્તા પરથી પસાર થાઓ તો એમ્બ્યુલન્સની સતત આવનજાવન રહેતી હોય છે. ત્યારે આવામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસનો નજારો વધુ ભયાવહ છે.
સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં દર્દીઓની અવરજવરથી એમ્બ્યુલન્સનો ભરાવો થઈ રહ્યો છે. કેમ્પસમાં એમ્બ્યુલન્સની લાઈનો પડી રહી છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ વધતા અવ્યવસ્થાના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. સિવિલ કેમ્પસના કોવિડ હોસ્પિટલ નજીક ૧૦૮ એમ્બ્યુલન્સની લાંબી લાઈનો અને સર્જાયેલી અવ્યવસ્થા વાયરલ વીડિયોમાં સામે આવી રહી છે.
એક જ એમ્બ્યુલન્સમાં ૫ થી ૭ કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ ખાતે સતત ૧૦૮ એમ્બ્યુલન્સની સાયરન સંભળાઈ રહી છે. દર્દીઓ સાથે તેમના સગાંવહાલાં પણ પરેશાન થઈ રહ્યા છે. તો બીજી તરફ, કોરોનાના કેસો વધતા સિવિલ કેમ્પસમાં પણ સતત બેડ વધારવામાં આવી રહ્યા છે. કેન્સર, કિડની અને હાર્ટ હોસ્પિટલમાં પણ બેડ વધારવા પ્રયાસો થઈ રહ્યા છે.
૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલ ફૂલ થતા મંજુશ્રી કમ્પાઉન્ડમાં આવેલી નવી કિડની હોસ્પિટલ ખાતે દર્દીઓ ખસેડવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોના કેસો વધતા માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર પણ સતત વધી રહ્યા છે. દિન પ્રતિ દિન નવા માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારની સંખ્યા ૩૩૫ પર પહોંચી ગઈ છે. થલતેજમાં આવેલા સુવાસ એપાર્ટમેન્ટના તમામ ૨૦૨ ઘરમાં રહેતા ૭૫૦ લોકોને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. કાલે નવા ૩૫ વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટ જાહેર કરાયા છે. અગાઉના ૧૮ વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટમાંથી દૂર કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમા એક તરફ કોરોનાનો અતિ મોટો વિસ્ફોટ જાેવા મળી રહ્યો છે. જેમાં બીજી તરફ તંત્ર તરફથી ગરીબ દર્દીઓ માટે કોઈ રાહત નથી મળી રહી. એએમસીએ ખાનગી હોસ્પિટલને આદેશ કર્યો છે કે, ૫૦ ટકા બેડ ફરજિયાત કોવિડ દર્દીઓ માટે રાખવાના રહેશે.