ઈન્જેક્શન માટે પુત્ર ચાર કલાક રખડ્યો પણ ઇન્જેક્શન ન મળ્યું
અમદાવાદ, રાજ્યભરમાં આફત બનીને આવેલા કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યની અનેક હોસ્પિટલોમાં દર્દીઓનો રાફડો ફાટ્યો છે. જેને કારણે હોસ્પિટલોમાં બેડની સાથે સાથે ઈન્જેક્શન પણ ખૂટી પડ્યા હોવાનું સામે આવ્યું છે.
ત્યારે ઈન્જેક્શનની અછતને કારણે અમદાવાદની એક મહિલાનું મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મૃતક મહિલાના પરિવારે આક્ષેપ કર્યો કે, ડોક્ટરે ટોસિલિઝુમેબ ઈન્જેક્શન મેનેજ કરવા જણાવ્યું હતું, પરંતુ ૪ કલાક તપાસ કર્યા બાદ પણ ના મળ્યું, જેના કારણે મહિલાનું મોત થઈ ગયું.
મીડિયા રિપોર્ટ મુજબ શહેરની ૬૫ વર્ષીય મહિલાને કોરોનાનો ચેપ લાગતા એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જાે કે, સારવાર દરમિયાન તેમની તબિયત વધારે ખરાબ થતાં ડોક્ટરે તેમના પુત્રને જણાવ્યું કે, ટોસિલિઝુમેબ ઈન્જેક્શન નહીં અપાય તો જીવને જાેખમ થઈ શકે છે.
જેથી દીકરો ૬૫૦૦૦ રૂપિયા લઈને શહેરની ૧૦થી વધુ જગ્યાએ ૪ કલાક સુધી રખડ્યો પરંતુ ઈન્જેક્શન ક્યાંય મળ્યું નહોતું. પરિવારના એક સભ્યના જણાવ્યા અનુસાર ટોસિલિઝુમેબ ઈન્જેક્શનની કિંમત ૪૦૦૦૦ છે, પરંતુ એ માર્કેટમાં ઉપલબ્ધ નથી. ૪૦ હજારના ઈન્જેક્શન માટે ૬૫૦૦૦ રૂપિયા ખર્ચ કરવા તૈયાર હતા તેમ છતાંય આ ઈન્જેક્શન ક્યાંય મળ્યું નહીં, જેના કારણે સ્વજન ગુમાવવા પડ્યા. જણાવી દઈએ કે, રેમડેસિવિર ઈન્જેક્શન માટે પણ લોકો પડાપડી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.