ટ્રેનો રોકવાનું કે પછી પ્રતિબંધ લગાવવાનું ભારતીય રેલવેનું કોઇ જ આયોજન નથી
નવીદિલ્હી, દેશમાં ફરી એકવાર કોરોના સંક્રમણે ચિંતા વધારી છે. ત્યારે કોરોનાના વધી રહેલા કેસને જાેતા કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી છે અને કેટલીક પાબંધીઓ લાદવાનું શરૂ કર્યું છે. ત્યારે ફરી એક વખત ટ્રેન બંધ થવાના સમાચારો વાયરલ થયાં છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાના વધી રહેલા કેસને જાેતા કેટલાક શહેરોમાં પૂર્ણ લૉકડાઉન કે પછી વિકેન્ડ લોકડાઉનની જાહેરાત કરાઇ ચૂકી છે. તો વધી રહેલા કેસને પગલે મુંબઇ સેન્ટ્રલથી અમદાવાદ વચ્ચે ચાલી રહેલી તેજસ એક્સપ્રેસનું સંચાલન એક મહિનામાં માટે બંધ કરવામાં આવ્યું છે.
આવી સ્થિતિમાં સવાલ ઉભા થાય છે કે, શું તમામ ટ્રેનો ફરી વખત બંધ થઇ જશે? આ અંગે રેલેવે મોટું નિવેદન આપ્યું હતું. ભારતીય રેલવેએ આ સંદર્ભમાં જણાવ્યું હતું કે, ટ્રેનો રોકવાનું કે પછી પાબંધી લગાવવાનું ભારતીય રેલવેનું કોઇ જ આયોજન નથી.
રેલવે બોર્ડના ચેરમેન સુનીત શર્માએ જણાવ્યું હતું કે,જે લોકો મુસાફરી કરવા ઇચ્છે છે તેમના માટે રેલવેની અછત નથી. હું તમામને વિશ્વાસ અપાવું છું કે, માગ અનુસાર રેલવેનું સંચલન કરવામાં આવશે. આ મહિનાઓમાં રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓની સંખ્યા સામાન્ય જાેવા મળી છે. અમે જરૂરીયાત પ્રમાણે ટ્રેનની સંખ્યા વધારીશું. શર્માએ મીડિયા રિપોર્ટને ફગાવ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, ટ્રેનથી યાત્રા કરનારને કોવિડ નેગેટિવ રિપોર્ટ ફરજીયાત છે.