ઈન્જેકશનની માંગ જાેતા અમદાવાદમાં રોજના ૧૦,૦૦૦ કેસનો અંદાજ
અમદાવાદમાં રેમડેસિવિર ઈન્જેકશનની અછત સાથે કાળાબજાર -સરકાર દ્વારા ૩પ હજારનો જથ્થો ઉપલબ્ધ કરાયાનો દાવો છતાં ઈન્જેકશન માટે દર્દીઓની રઝળપાટ
(એજન્સી) ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાના ગંભીર દર્દીઓની સારવાર માટે રેમડેસિવિર ઈન્જેકશનની અછત હોય એમ ગુરૂવારે પણ દર્દીઓના પરિવારજનો ઈન્જેકશન લેવા દોડધમ કરતા જાેવા મળી રહ્યા હતા. સરકાર દ્વારા ૩પ હજાર ઈન્જેકશનનો જથ્થો સરકારી હોસ્પીટલને અપાયો હોવાનો દાવો કરાયો હોવા છતાં દર્દીઓને પૂરતી સંખ્યામાં હજુ ઈન્જેકશન મળી રહ્યા નથી.
અને કાળા બજારમાં લેવા પડતા હોય એવી સ્થિતિ છે. એ સામે જે રીતે રેમડેસિવિર ઈન્જેકશનની માંગ છે એ જાેતા કોરોનાના કેસની સંખ્યા પણ સરકારી આંકડા કરતાં અનેકગણી હશે તે સ્પષ્ટ થઈ રહ્યુ છે. કોરોનાના દર્દીઓની સંખ્યા રાજેરોજ વિક્રમી સંખ્યામાં વધી રહી છે. એ જાેતાં તબીબી તજજ્ઞોના અંદાજ મુજબ ૮પ ટકા દર્દીઓ હોમ ક્વોરેન્ટાઈનમાં છે.
અને ૧પ ટકા દર્દીઓને હોસ્પીટલમાં સારવાર લેવાની જરૂર પડે છે. જેમાં થોડી ગંભીર સ્થિતિના દર્દીઓને રેમડેસિવિર આપવામાં આવે છે. એમ છતાં આટલા દર્દીઓને પણ ઈન્જેકશનની અછત હોય એમ પૂરતી સંખ્યામાં મળી રહ્યા નથી. રાજ્ય સરકાર દ્વારા એવા દાવો કરવામાં આવ્વયો છે કે બુધવારે ૩પ હજાર રેમડેસિવિર નો જથ્થો વિવિધ સરકારી હોસ્પીટલોમાં પૂરો પાડવામાં આવ્યો હતો. એ સાથે ખાનગી કંપનીઓ દ્વારા પણ ૩પ હજાર ઈન્જેકશનનો જથ્થો ખાનગી હોસ્પીટલોમાં ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો.
તેમ છતાં લોકોને રેમડેસિવિર માટે રઝળવું પડતુ હોય એવી સ્થિતિ છે ત્યારે તેની અછત છે અથવા તેનેે મેડીકલ માફિયાઓ બ્લેકમાં વેચી રહ્યા હોય એવી સ્થિતિ છે. અમદાવાદમાં શુક્રવારે પણ દર્દીઓના પરિવારજનોને સરળતાથી રેમડેસિવિર ન મળતાં બ્લેકમાં ખરીદવાની ફરજ પડી હતી. ખાનગી હોસ્પીટલો દ્વારા ઈન્જેકશન વેચવામાં આવે છે ત્યાં પણ દર્દીઓના પરિવારજનો હાફળાફાંફળા થઈને પહોેચે ત્યારે વેચાણ બંધ થઈ ગયુ હોય એવી પણ સ્થિતિ છે.
સરકાર દ્વારા કોરોનાના દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખતા ૩ લાખ રેમડેસિવિર ઈન્જકશનનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યુ છે. જે દર્શાવે છે કે કોરોનાના દર્દીઓ હજ્જારોની સંખ્યામાં વધી રહ્યા છે. અને ઈન્જેકશનની ડીમાન્ડ પણ મોટી સંખ્ર્યામાં છે.
તબીબી વર્તુળોના અંદાજ મુજબ એકલા અમદાવાદમાં જ રોજના કોરોના પોઝિટીવ દર્દીઓના ૧૦ હજાર જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. સંક્રમણની ચેઈન તૂટશે નહીં તો આ આંકડો વધશે અને તેમાં રેમડેસિવિરની જરૂરીયાતવાળા દર્દીઓ પણ વધતા રહેશે ત્યારે સ્થિતિ વધુ કાબુ બહાર થશે એવી ભીતિ પણ તબીબોએ વ્યક્ત કરી છે.