Western Times News

Gujarati News

તુષાર રિયા ચક્રવર્તી સાથે ફિલ્મ બનાવી રહ્યા છે ?

મુંબઈ: ગયા અઠવાડિયે એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ સોશિયલ મીડિયા પર તસવીર પોસ્ટ કરતાં ચર્ચામાં આવી હતી. આ તસવીરમાં એક્ટ્રેસ ફિલ્મ ‘સાંઢ કી આંખ’ની પ્રોડ્યુસર અને ફિલ્મમેકર તુષાર હિરાનંદાનીની પત્ની નિધિ પરમાર હિરાનંદાની સાથે જાેવા મળે છે. રિયાએ તસવીર શેર કરતાં લખ્યું હતું, પ્રેમ એવો તાંતણો છે જે ક્યારેય દૂર થતો નથી પછી તે ભલે ગમે તેટલીવાર વિપરીતતા અને પીડાના દુઃખમાં કેમ ન ધોવાય- રોબર ફાલ્ગમ. આ તસવીર બાદ ચર્ચાઓ શરૂ થઈ હતી કે રિયા અને નિધિ સાથે કોઈ પ્રોજેક્ટ કરવાના છે. ૨૦૨૦માં વિવાદોમાં રિયા ચક્રવર્તીનું નામ ઉછળ્યા પછી બધાની નજર રિયા અને તેના કરિયર પર ચોંટેલી છે.

માટે જ રિયાની આ પોસ્ટ સોશિયલ મીડિયાના એક વર્ગ માટે ચર્ચાનો વિષય બની હતી. નિધિનો સંપર્ક કર્યો તો તેણે કોઈ ફિલ્મ ન કરવાના હોવાનું કહ્યું. “રિયા મારી ખૂબ અંગત મિત્ર છે. અમે વર્ષોથી એકબીજાના મિત્રો છીએ અને અમે મિત્રો તરીકે સાથે સમય પસાર કર્યો એ વખતની આ તસવીર છે. આ તસવીર પાછળ બીજું કશું જ નથી. અમે સાથે કોઈ પ્રોજેક્ટ નથી કરવાના, તેમ નિધિએ સ્પષ્ટતા કરી. રિયા અને નિધિની મિત્રતા ૨૦૧૭થી ચાલી આવે છે.

રિયા સાથે મિત્રતા કેવી રીતે થઈ તે વિશે વાત કરતાં નિધિએ કહ્યું, “એ વખતે હું ડાયરેક્ટર મોહિત સૂરી સાથે કામ કરતી હતી. સાઉથ આફ્રિકામાં ‘હાફ ગર્લફ્રેન્ડ’ના સેટ પર મારી મુલાકાત રિયા સાથે થઈ હતી. અમે એકબીજા સાથે સારી રીતે ભળી ગયા અને ટૂંક સમયમાં જ અંગત મિત્રો બની ગયા. ત્યારથી તે મારા માટે બહેન જેવી છે. વર્ષો વિતતા રહ્યા તેમ નિધિના કહેવા મુજબ રિયા સાથેનો સંબંધ ગાઢ થતો ગયો અને તેઓ હંમેશા એકબીજાની પડખે રહેવા લાગ્યા.

કોઈપણ પરિસ્થિતિમાં હું હંમેશા રિયાની સાથે ઊભી રહીશ કારણકે મારા સારા-ખરાબ સમયમાં તે મારી પડખે રહી હતી. મને ખબર છે કે હાલ તે મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થઈ રહી છે પરંતુ મને ખાતરી છે કે તે જુસ્સા સાથે પાછી ફરશે. તેની સાથે મિત્રો અને પરિવારજનોનો સપોર્ટ છે, તેમ વાત પૂરી કરતાં નિધિએ કહ્યું. જણાવી દઈએ કે, રિયા અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશ્મીની ફિલ્મ ‘ચહેરે’માં જાેવા મળશે. જાે કે, ગત વર્ષે સુશાંતના મોત બાદ રિયાને લઈને જે વિવાદ છેડાયા તે જાેતાં ફિલ્મના પોસ્ટરમાંથી રિયા ચક્રવર્તી ગાયબ જાેવા મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.