ભાવનગર : અલંગમાં લકઝરિયસ ક્રૂઝ શિપ કોલમ્બસ ભંગાવા માટે આવ્યુ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Luxurious-1024x768.jpg)
Files Photo
ભાવનગર: કોરોનાને કારણે સમગ્ર વિશ્વમાં ટુરિઝમ ઉદ્યોગ છેલ્લા એક વર્ષથી ઠપ્પ થઇ ગયો છે. ક્રૂઝ જહાજાેના માલીકોને પોતાના જહાજ સાંચવવા પણ મોંઘા પડી રહ્યા છે. પરિણામે સારી કિંમત આવતા લકઝરિયસ ક્રૂઝ જહાજાે ધડાધડ ભંગાવા માટે વેચવામાં આવી રહ્યા છે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ૫ ક્રૂઝ જહાજ અત્યારસુધીમાં ભંગાવા માટે આવી ચૂક્યા છે, અને
ત્રણ મહિનાના સમયગાળા બાદ પુનઃ એક લકઝરિયસ ક્રૂઝ શિપ ભંગાવવા માટે આવી પહોંચ્યુ છે.
અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.૬૧ એનબીએમ શિપબ્રેકર્સ દ્વારા ખરીદવામાં આવેલું ૩૨ વર્ષ જૂનુ ક્રૂઝ જહાજ અત્યંત્ય વૈભવી સુવિધાઓ ધરાવે છે. સીએમવી કોલમ્બસ નામના આ ક્રૂઝ જહાજમાં કુલ ૧૩ માળ આવેલા છે, તે પૈકી ૧૧ માળમાં પેસેન્જર માટેની કેબિનો આવેલી છે. આ શિપમાં કુલ ૭૭૩ કેબિનો આવેલી છે, તે ૭ માળમા઼ છવાયેલી છે. ૨૯૦૫૮ મે.ટન વજન, ૮૦૪ ફૂટ લંબાઇ, ૧૦૫ ફૂટ પહોળાઇ ધરાવતા ક્રૂઝ શિપ કોલમ્બસમાં ૭૦૦ ક્રૂ મેમ્બરો ફરજ બજાવી રહ્યા હતા, ૪ રેસ્ટોરન્ટ, ૮ બાર, ૨ ઝાકૂઝી, ૨ સ્વીમિંગ પૂલ, ૧૨ લિફ્ટ, હેર બ્યૂટી સ્પા સલૂન, જીમ, થર્મલ સ્યૂટ, થિએટર, મેડિકલ સેન્ટર આવેલા છે.
ક્રૂઝ મુસાફરીના શોખીનો માટે કોલમ્બસ જહાજ માનીતુ ગણવામાં આવતુ હતુ. અને તેની વોયેજ જાહેર થતાના ગણતરીના દિવસોમાં જ આખુ જહાજ બૂક થઇ જતુ હતુ. વર્ષ ૨૦૧૭માં જ હજુ આ જહાજને સંપૂર્ણપણે રીનોવેટ કરાવવામાં આવ્યુ હતુ અને તેમાં મોર્ડન ફેસીલીટીઓનો ઉમેરો પણ કરવામાં આવ્યો હતો. આ અગાઉ અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં કર્ણિકા, ઓશન ડ્રીમ, ગ્રાન્ડ સેલિબ્રેશન, માર્કોપોલો જેવા લકઝરિયસ ક્રૂઝ જહાજ તાજેતરમાં ભંગાવા માટે આવી ચૂક્યા છે.