ચૂંટણીવાળા રાજ્યોમાં કેસ કેમ ઓછા? તપાસ કરાવશો
મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી હાલાત ખુબ જ ખરાબ છે. રોજેરોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્ર સરકારના મંત્રી અસલમ શેખે કોવિડ-૧૯ના વધતા કેસ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે કોરોના વાયરસ ટાસ્ક ફોર્સને એ પણ તપાસ કરવાનું કહ્યું છે કે માત્ર મહારાષ્ટ્રમાં જ કેસ કેમ વધી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે સરકારમાં મંત્રી અસલમ શેખે કહ્યું કે અમે કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સને એ સ્ટડી કરવાનું કહ્યું છે કે માત્ર મહારાષ્ટ્રમાં જ કેસ કેમ વધી રહ્યા છે અને જ્યાં ચૂંટણી થઈ રહી છે
તે રાજ્યોમાં કેમ વધતા નથી. અનેક મંત્રી ત્યાં મોટા પાયે સભાઓ કરી રહ્યા છે પરંતુ ત્યાં કોરોના વાયરસના કેસમાં કોઈ ઉછાળો નથી. મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ના વધતા કેસ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કોરોના ટાસ્ક ફોર્સ સાથે ખાસ બેઠક યોજી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બે કલાક ચાલેલી બેઠકમાં સમગ્ર રાજ્યમાં કડક લોકડાઉન લગાવવા અને કઠોર નિયમ અંગે ચર્ચા થઈ. બેઠક દરમિયાન ટાસ્ક ફોર્સે કોરનાની ચેન તોડવા માટે ૧૫ દિવસના કડક લોકડાઉનની સલાહ આપી જ્યારે સીએમ ઉદ્ધવ ઠાકરેએ ૮ દિવસના લોકડાઉનનું સમર્થન કર્યું.
આજે મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક યોજાવવાની છે. જેમાં રાજ્ય પર લોકડાઉનનો ર્નિણય લેવાઈ શકે છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાં મુજબ રવિવારે રાજ્યમાં સંક્રમણના ૬૩,૨૯૪ નવા દર્દીઓ નોંધાયા. જ્યારે ૩૪૯ લોકોના મોત થયા. પહેલીવાર એવું બન્યું છે કે મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ના એક જ દિવસમાં આટલા બધા કેસ નોંધાયા. હવે કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૩,૪૦૭,૨૪૫ પર પહોંચી ગઈ છે. રાજ્યમાં રવિવારે ૩૪૦૦૮ દર્દીઓ સાજા થયા. રાજ્યમાં રિકવરી રેટ ૮૧.૬૫ ટકા થયો છે.