કોરોના દર્દીને લાકડીથી માર મારી અધમૂઓ કરી નાખ્યો
ખંડવા: મધ્ય પ્રદેશના ખંડવામાં પોલીસનો ર્નિદય ચહેરો સામે આવ્યો છે. પોલીસકર્મીઓએ કોરોના દર્દી અને તેના પરિવારની લાકડી ડંડાથી પીટાઈ કરી. આ મામલે બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બનાવની વિગત એવી છે કે ખંડવાના છૈગાવમાખન હદ વિસ્તારના ગ્રામ બંજારીમાં પોલીસકર્મીઓએ એક કોરોનાદર્દી અને તેના પરિવારજનો સાથે મારપીટ કરી.
આ ઘટનાનો વીડિયો વાયરલ થતા જ લોકોમાં આક્રોશ વ્યાપી ગયો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જાેવા મળી રહ્યું છે કે પોલીસ મહિલાઓને પણ લાકડીથી મારી રહી છે. પોલીસે જણાવ્યું કે સ્વાસ્થ્ય વિભાગની ટીમ કોરોના દર્દીને ઘરેથી લેવા માટે આવી હતી.
આ દરમિયાન દર્દીના પરિજનો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ. આ દરમિયાન પોલીસકર્મીઓએ કોરોના દર્દી અને તેના પરિજનોને માર માર્યો. પોલીસનું કહેવું છે કે દર્દીને લેવા આવેલી સ્વાસ્થ્ય વિભાગની ટીમ પર દર્દી તરફથી હુમલો થયો હતો ત્યારબાદ આ ઝપાઝપી થઈ. એસપી વિવેક સિંહે આ મામલે કહ્યું કે મેડિકલ ટીમ ગામ ગઈ ત્યારે તેના પર હુમલો થયો અને તેમને દર્દીના પરિવાર તરફથી બંધક બનાવવામાં આવ્યા. પોલીસ તેમને છોડાવવા ગઈ આ દરમિયાન દર્દીના પરિજનોએ તેમના પર હુમલો પણ કર્યો. પોલીસની ટીમે જવાબ આપવો પડ્યો જેમાં તેમને પણ કેટલીક ઈજા થઈ.