કોરોના વોરિયર્સને પણ ઇન્જેક્શન માટે લાઇનમાં ઉભા રહેવું પડે છે
સુરત મનપાની મહિલા કર્મચારી માતા-પિતા માટે રેમડેસિવીર ઈન્જેક્શન લેવા માટે ચાલુ ફરજે ભાજપ કાર્યાલય પહોંચી
સુરત, સુરતમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીના સ્વજનો દર્દી માટે ઇન્જેક્શન માટે સતત વલખા મારી રહ્યા છે. આ ઇન્જેક્શન જ્યાં મળે છે ત્યાં દર્દીના સંબંધીઓ લાઇનો લગાવી દે છે. સામાન્ય લોકો જ નહીં મનપા કર્મચારી એવા કોરોના વોરિયર્સને રેમડેસિવીર ઇન્જેક્શન મળી રહ્યા નથી. મનપાની મહિલા કર્મચારી પોતાના માતા-પિતા માટે રેમડેસિવીર ઈન્જેક્શન લેવા માટે ચાલુ ફરજે ભાજપ કાર્યાલય ખાતે પહોંચી હતી.
એક બાજુ ફરજ અને બીજી બાજુ માતા-પિતા માટે ઇન્જેક્શનની જરૂરને લઈને આ મહિલા સતત આંટા મારી રહી છે. સુરતમાં કોરોના દર્દી માટે રામબાણ ગણાતી રેમડેસિવીર ઈન્જેક્શનને લઈને ઉભી થયેલ અછત વચ્ચે પોતાના પરિવારના લોકોને બચાવવા માટે સંબંધી જ્યાં ઇન્જેક્શન મળે ત્યાં લાઈનોમાં ઉભા રહે છે. છેલ્લા એક વર્ષથી કોરોના દરમિયાન કોરોના વોરિયર્સ તરીકે સતત પોતાની ફરજ બજાવતી અને મનપાના ઉધના ઝોનમાં કામ કરતી અનિતા મેસુરીયાને પોતાની ફરજ પરથી રાજા મળતી નથી.
ત્યારે પિતા સાથે માતા પણ હાલમાં કોરોનામાં સપડાવાથી બંને સારવાર હેઠળ છે. પરિવારમાં માત્ર ભાઈ છે અને તે આ બધાથી અજાણ છે ત્યારે પોતાના માતા પિતાને ઇન્જેક્શનની જરૂર હોવાને લઈને આ મહિલા પોતાની ચાલુ ફરજ દરમિચાન જ્યાં ઇન્જેક્શન મળે ત્યાં જઇને લાઇનમાં ઉભા રહે છે. આજે પણ પોતાના માતા પિતા માટે આ ઇન્જેક્શન લેવા આ મહિલા કર્મચારી ભાજપ કાર્યાલય ખાતે પહોંચી હતી.
એક બાજુ ફરજ છે અને બીજી બાજુ માતા પિતા છે. ત્યારે આ મહિલા સંઘર્ષ કરીને સતત છેલ્લા ૧૫ દિવસથી હેરાન થઇ રહી છે. કોરોના વોરિયર્સનો ખિતાબ મેળવનાર આવા કર્મચારી પણ આમ લોકોની જેમ આ ઇન્જેક્શન માટે વલખા મારી રહ્યા છે ત્યારે જાેવાનું રહ્યું કે આ ઇન્જેક્શન પર ચાલતું રાજકારણ ક્યારે પૂરું થશે અને લોકોને આ ઇન્જેક્શન ક્યારે મળી રહશે.
કોરોનાના ઇન્જેક્શન માટે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે અને હોસ્પિટલના જવાબદાર કર્મચારી જ ઈન્જેક્શન લેવા માટે જશે તેમ કહેવાયું છે. પરંતુ આ ગાઈડલાઈનનો અમલ હોસ્પિટલ કરતી ન હોવાથી સ્વજનો લાઈનમાં ઉભા રહે છે. વહેલી સવારથી સ્વજનો માટે ઇન્જેક્શન માટે લાઈનમાં ઉભા રહેતા હોવા છતાં પણ ઇન્જેક્શન મળતાં ન હોવાથી લોકોમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે.