સંગીત અને મંત્રોચ્ચાર દ્વારા કોરોનાના દર્દીની સારવાર
રાજકોટ: રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કોવિડ કેસ સેન્ટરની અંદર કોરોના પોઝીટીવ દર્દીઓને સકારાત્મક વાતાવરણ મળી રહે તે માટે મ્યુઝિક અને મંત્રોચ્ચાર થેરાપીનો ઉપયોગ કરીને સાજા કરવામાં આવી રહ્યા છે. અહીં સારવાર આપવા માટે અનુભવી ડોક્ટરો, આસી. ડોક્ટરો, નર્સીંગ સ્ટાફ સહિત હાઉસ કીપીંગ સ્ટાફની સુવિધા પણ ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોવિડ કેર સેન્ટરમાં અંદાજિત ૨૦ જેટલા લોકો સારવાર લઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોવિડ કેર સેન્ટરમાં હાલમાં ૪૦ બેડની સુવિધા છે તેમજ નજીકના ભવિષ્યમાં મહત્તમ લોકોને ઝડપથી સારવાર મળી રહે તેવા હેતુથી ૧૧૦ બેડની નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.
અહીં સારવાર આપવા માટે અનુભવી ડોક્ટરો, આસી. ડોક્ટરો, નર્સીંગ સ્ટાફ સહિત હાઉસ કીપીંગ સ્ટાફની સુવિધા પણ ઉપલબ્ધ છે. કોવિડ કેર સેન્ટરમાં આવતા દર્દીઓ ઘર પરિવારથી દુર હોય ત્યારે તેઓ એકલતા ન અનુભવે તે માટે મ્યુઝિક થેરાપી અને મંત્રોચ્ચાર વડે દર્દીની આસપાસ હકારાત્મક વાતાવરણ ઉભુ કરવામાં આવી રહ્યું હોવાનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી એનએમ પેથાણીએ જણાવ્યું હતું. કુલપતિ પેથાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શરુ કરાયેલા કોવિડ કેર સેન્ટર માટે ૬૩૫૫૧ ૯૨૬૦૭ નંબરની હેલ્પલાઈન સેવા શરુ કરવામાં આવી છે.
જેના થકી લોકોને સુવિધા મેળવવામાં આસાની રહેશે. તમામ દર્દીઓની સારવારમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા માનસિક સધિયારો પણ પુરો પાડવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોઈ પણ વિભાગના વડા કે પ્રોફેસરની ભલામણથી જરૂરિયાતમંદ દર્દીઓને સત્વરે સારવાર આપવામાં આવશે. યુજીસી, એચઆરડીસીના હેડ ડો. કલાધર આર્યએ જણાવ્યું હતું કે,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં કોવિડ-૧૯ સામે લડવા માટે ઉભા કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં રહેલા દર્દીઓને સવારે ૦૮.૦૦ વાગ્યાથી શરૂ કરીને રાત્રિના ૦૮.૦૦ વાગ્યા દરમિયાન ચા-નાસ્તો, ફળ-ફળાદિ, આયુર્વેદિક ઉકાળા, જરૂરિયાત મુજબ જ્યુસ તથા બપોર અને રાત્રિનું ડાયટિશિયન અને ન્યુટ્રિશિયનના જણાવ્યા મુજબનું આરોગ્ય પ્રદ પૌષ્ટિક ભોજન વિનામૂલ્યે આપવામાં આવે છે.