કોરોનામાંથી ઉભર્યા પછી ભારત આર્થિક વાપસી કરશે : પુનિત રંજન
વૉશિંગ્ટન: ભારતીય મૂળના બિઝનેસલીડર પુનિત રંજને આશાવાદ વ્યક્ત કરતા કહ્યું હતું કે કોરોનામાંથી ઉભર્યા પછી ભારત જાેરદાર વાપસી કરશે અને આર્થિક વિકાસમાં ગતિ પકડશે.
મલ્ટિનેશનલ સર્વિસ પ્રોવાઈડર કંપની ડેલોયટના ભારતીય મૂળના સીઈઓ પુનિત રંજને ભારતના અર્થતંત્ર મુદ્દે આશાવાદ વ્યક્ત કર્યો હતો. હરિયાણામાં જન્મેલા અને અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરીને બ્રિટનની પોણા બસ્સો વર્ષ જૂની પ્રતિષ્ઠિત કંપની ડેલોયટના સીઈઓ બનેલા પુનિત રંજને કહ્યું હતું કે ભારત અત્યારે કોરોના સામે સંઘર્ષ કરી રહ્યું છે. આ સમય ખૂબ જ મહત્વનો છે.
ભારત કોરોનામાંથી ઉભરીને પૂરી તાકાત સાથે કમબેક કરશે અને અણધાર્યો આર્થિક વિકાસ કરશે. ભારતીય મૂળના બિઝનેસ લીડરે કહ્યું હતું કે ભારતમાં ટેલેન્ટેડ યુવાપેઢી છે, જે દેશના સર્વાંગી વિકાસમાં મહત્વનો ભાગ ભજવશે. તેના કારણે ૨૧મી સદી ભારતના નામે રહેશે એમાં કોઈ શંકા નથી.
પુનિત રંજને કહ્યું હતું કે ભારત મારું જન્મસ્થળ હોવાથી મને ભારત માટે વિશેષ લાગણી છે. ભારતમાં ૭૫ વર્ષથી લોકતંત્ર અડીખમ છે. આર્થિક વ્યવસ્થાતંત્રમાં ૧૯૯૨ પછી સતત સુધારો આવી રહ્યો છે અને તેનો ફાયદો હવે દેશને મળી રહ્યો છે.
જાેકે, ભારતની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં પુનિત રંજને કહ્યું હતું કે અત્યારે ભારત ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આ મહામારીએ ભારતની વિશાળ વસતિને અસર કરી છે અને તેમને મોટો આર્થિક ફટકો આપ્યો છે. પરંતુ લોકોમાં લડત આપવાનો મિજાજ હોવાથી કોરોના પછી ભારત દમખમ બતાવીને વિશ્વમાં આર્થિક ઓળખ ઉભી કરશે.