Western Times News

Gujarati News

કોરોનાથી માતાનાં મોત બાદ યુવતી અનાથ બની ગઈ

અમદાવાદ: ૧૭ વર્ષની નિશા ચૌહાણનાં માતા કોરોના થવાના કારણે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતાં. નિશા એવી આશા લઈને બેઠી હતી કે તેની મમ્મી ગમે ત્યારે સાજી થઈને ઘરે આવી જશે. જાેકે, મંગળવારે હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે હવે તેની મમ્મી આ દુનિયામાં નથી રહી. ત્રણેક વર્ષ પહેલા પિતાની પણ છત્રછાયા ગુમાવનારી નિશાને જ્યારે મમ્મીના અવસાનના સમાચાર અપાયા ત્યારે તેના પર જાણે આભ તૂટી પડ્યું. માત્ર મમ્મીનો સહારો ધરાવતી નિશા માટે સૌથી કપરી ઘડી તો એ હતી કે તે પોતાની મમ્મીના અંતિમ દર્શન પણ યોગ્ય રીતે ના કરી શકી.

ચોંકાવનારી વાત એ છે કે, નિશાના મમ્મી માલવંતીબેન ચૌહાણને કોરોનાના તમામ લક્ષણો હતા, તેમની સારવાર પણ કોવિડ હોસ્પિટલમાં જ ચાલતી હતી. પરંતુ તેનો આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ હોવાના કારણે તેમનું મૃત્યુ કોરોનાને કારણે ના થયું હોવાનું રેકોર્ડ પર નોંધવામાં આવ્યું છે. માલવંતીબેનને છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના તમામ લક્ષણો હતા. તેમને તાવ આવતો હતો,

ખૂબ જ થાક લાગતો હતો, શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને છેલ્લે તેમનું ઓક્સિજન લેવલ પણ ભયજનક રીતે ઘટી ગયું હતું. તેમને ૧૨૦૦ બેડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યારે તેમના મૃતદેહનો કબજાે સોંપવામાં આવ્યો ત્યારે નિશા માટે પોતાની જાતને સંભાળવું મુશ્કેલ બની ગયું હતું. માલવંતીબેનના ભાણીયા શુભમના જણાવ્યા અનુસાર, તેમનો એચઆરસીટી સ્કેન કરાવાયો તેમાં ફેફસામાં ૭૦-૮૦ ટકા ચેપ પ્રસરી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. ડૉક્ટરે જણાવ્યું હતું કે તેમની સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાથી તેમને તાત્કાલિક હોસ્પિટલાઈઝ કરવામાં આવે.

આખરે તેમને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. તેમનું ઓક્સિજન લેવલ પણ વારંવાર ચઢઉતર કરતું હતું. જ્યારે હોસ્પિટલ દ્વારા માલવંતીબેનનો મૃતદેહ સોંપાયો અને એમ જણાવાયું કે તેઓ કોરોના નેગેટિવ હતાં, ત્યારે તેમના પરિવારજનોને પણ આંચકો લાગ્યો હતો. હોસ્પિટલે કહ્યું હતું કે તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને હવે તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જઈ શકાશે. ઉલ્લેખનીય છે કે, માત્ર અમદાવાદ જ નહીં પરંતુ રાજ્યભરમાં સરકારી ચોપડે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો જે આંકડો દર્શાવાય છે તેના કરતાં ઘણી મોટી સંખ્યામાં કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓના મોત થઈ રહ્યા છે. સ્મશાનોમાં પણ લાઈનો લાગેલી છે, અને ત્યાં પણ કલાકો સુધી અંતિમવિધિ માટે રાહ જાેવી પડી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.