યુવકના ફોટા પર સર્વિસ ફોર વડોદરા લખીને વાયરલ કર્યો
વડોદરા: આણંદની કોલેજમાં અભ્યાસ કરતા યુવકને એક વ્યક્તિએ છોકરીઓના નામની સાથે ભાવનું લિસ્ટ મોકલ્યું હતું. પરંતુ તે યુવાને કોઇ ભાવ ન આપતા લિસ્ટ મોકલનાર વ્યક્તિએ તે યુવાનના ફોટાનો ઉપયોગ કરીને સર્વિસ ફોર વડોદરા લખીને વિવાદિત વોટ્સએપ ગ્રુપના ડિસ્પ્લેમાં મૂકી દીધો હતો. આ યુવકે વોટ્સઅપ ઉપર તેનો ફોટો મૂકનારનું સરનામું મેળવી લીધું હતું. જે બાદ યુવક સયાજીગંજ પ્લેટફોર્મ નંબર ૬ પાસેની હોટલ રિલેક્ષ ઇનમાં જઇને આ અંગે પૂછપરછ કરી હતી. જે બાદ હોટલનાં કર્મીઓ ઉશ્કેરાયા હતા અને બંને વચ્ચે મારામારી થઇ હતી. આ અંગે પોલીસે સામસામે ગુનો નોંધ્યો છે અને પાંચ લોકોને ઝડપી પાડ્યા છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, સાવલીના યુવકે હોટલ રિલેક્ષ ઇનના કર્મચારીઓ કિરણ રમણ રાઠોડ અને હરીશ ધના નિનામા તથા અન્ય અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે, તેના મોબાઇલમાં અલકાપુરી બીઆરડીના નામથી નંબર સેવ કર્યો હતો. જેથી તેણે આ નંબર પર ફોન કરતાં ફોન સ્વિચ ઓફ આવ્યો હતો. તેણે સોશિયલ મિડીયાના માધ્યમથી કોલ કરતા આ શખ્સે ફોન કર્યો હતો. જેમાં બંને વચ્ચે છોકરીઓ અંગેની વાતો થઇ હતી. ત્યારબાદ આ શખ્સે તેને છોકરીઓના ફોટા અને ભાવનું લીસ્ટ મોકલ્યું હતું. જે બાદ યુવકને જણાવ્યું હતું
તુજે આના હો તો આ નહીતર ટાઇમ પાસ મત કર. જે બાદ યુવકે જલ્દી કોઇ જવાબ ન આપતા પેલા વ્યક્તિએ ધમકી આપી હતી કે, તુજે આના હૈ તો આ નહીતર તેરી ફોટો યે નંબર પર ડાલ કર વાયરલ કર દુંગા. જે બાદ તે વ્યક્તિએ યુવકનો ફોટો મૂકીને સર્વીસ ફોર વડોદરા લખી નાખ્યું હતું અને તેને વિવાદીત ગ્રુપનું ડીપી બનાવી દીધો હતો. આ અંગેની જાણ યુવાનને થતા તે મિત્રોને લઇને હોટલ રિલેક્ષ ઇનમાં આવ્યો હતો.
ત્યાં જઇને યુવાને રિસ્પેશન પર રહેલા કર્મચારીને આ નંબર કોનો છે, તેમ પૂછ્યું હતું. જેમાં થોડી જ વારમાં મામલો બીચકાયો હતો અને ઝઘડો થયો હતો. હોટલના વ્યક્તિઓએ ત્રણેય યુવક પર પાઇપ વડે હુમલો કર્યો હતો. જે બાદ યુવકોએ પણ કુંડુ મારતાં હોટલના દરવાજાનો કાંચ તૂટયો હતો. આ દરમિયાન પોલીસ આવી જતાં તમામને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. આ બનાવ બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઇ હતી.