મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને પંજાબમાં કેસની સંખ્યામાં વધારો થવા માટે કેન્દ્ર જવાબદાર : સંજય રાઉત
મુંબઇ: શિવસેનાના સાંસદ સંજય રાઉતે આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને પંજાબમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો થવા માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે.શિવસેનાના સાંસદ સંજય રાઉતે આજે પંજાબ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં કોરોનાની સ્થિતિ બગડવા માટે સીધી રીતે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી અને કહ્યું કે મહારાષ્ટ્રએ તો કેન્દ્રની દરેક સૂચનાનું પાલન કર્યું છે, પરંતુ કેન્દ્ર સરકારે સંવેદનશીલતાપૂર્વક કાર્યવાહી કરવી જાેઈએ અને રાજ્યોને દોષી ઠેરવવા જાેઈએ નહીં.
સંજય રાઉતે વધુમાં કહ્યું કે, ‘જાે મહારાષ્ટ્ર અને અન્ય બે રાજ્યો (પંજાબ અને છત્તીસગઢ) નિષ્ફળ ગયા છે, તો પ્રથમ નિષ્ફળતા કેન્દ્ર સરકારની છે કારણ કે દેશ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યો છે. ” તેમણે સવાલ ઉઠાવ્યો કે શા માટે માત્ર બિન-ભાજપ શાસિત રાજ્યો નિષ્ફળ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રાલયે સોમવારે કહ્યું હતું કે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તમિળનાડુ, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં કોવિડ -૧૯ ના કેસો ઝડપથી વધી રહ્યા છે. આ રાજ્યોના કિસ્સાઓમાં દેશના નવા સંક્રમણના કુલ ૮૩.૦૨% કેસ છે.
બીજી તરફ, કોરોનાના કેસોમાં ઝડપી વધારાને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્ર સરકારે રાજ્ય બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગની પરીક્ષાઓ હાલ પૂરતી મુલતવી રાખવાનો ર્નિણય લીધો છે. મહત્વનું છે કે રાજ્યમાં ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા ૨૩ એપ્રિલથી શરૂ થવાની હતી અને ૧૦માંની પરીક્ષાઓ ૩૦ એપ્રિલથી શરૂ થવાની હતી.
મહારાષ્ટ્રની સ્કૂલ શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે ટિ્વટ કર્યું છે કે, મહારાષ્ટ્રમાં કોવિડ -૧૯ રોગચાળાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા મુલતવી રાખવાનો ર્નિણય લીધો છે. વર્તમાન પરિસ્થિતિ પરીક્ષાઓ લેવા માટે અનુકૂળ નથી. તમારું આરોગ્ય અમારી પહેલી પ્રાથમિકતા છે.
શ્રેણીબદ્ધ ટવીટમાં તેમણે કહ્યું કે, “વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે પ્રવેશ પરીક્ષાના સમયપત્રકને ધ્યાનમાં રાખીને, ધોરણ ૧૨માં વર્ગની પરીક્ષા મેના અંતમાં અને ધોરણ ૧૦ની પરીક્ષા જૂનમાં લેવામાં આવશે.” વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને મુલતવી પરીક્ષાઓની તારીખોની ઘોષણા ટૂંક સમયમાં કરવામાં આવશે.