દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક-ડાયનાસોર મ્યુઝિયમનું લોકાર્પણ
- રૈયોલીના ફોસીલ પાર્ક ડાયનાસોર મ્યુઝિયમને વિશ્વ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા પ્રવાસન વિભાગને ૧૦કરોડ રૂપિયાની વધારાની રકમ સરકાર ફાળવશે
- ગુજરાતના પ્રવાસન વિકાસમાં એક નવું મોર પીંચ્છ ઉમેરાયું
- વિશ્વના પ્રવાસન નકશે ગુજરાતના પ્રવાસન ધામો સાથે હવે આ મ્યુઝિયમપણ ચમક્યું છે
- ગુજરાતની ધરતીના ગૌરવની વધુ એક ઝાંખી વિશ્વને આજથી જોવા મળવાની છે
- ગુજરાતે દેશના પ્રવાસન ક્ષેત્રને ભારતના જુરાસિક પાર્ક – રૈયોલીના ડાયનાસોર પાર્કની ભેટ આપી છે
- ડાયનાસોર પાર્ક-રૈયોલી અને બાલાસિનોર તાલુકાને વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકાવશે.
તા.૦૮મી જુન,૨૦૧૯(શનિવાર)મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ જણાવ્યું છે કે ગુજરાતના બાલાસિનોર પાસે રૈયાલીના ડાયનાસૌર મ્યુઝિયમ અને ફોસીલ પાર્ક ને થ્રી ડી ટેક્નોલોજી અને આધુનિક તકનીક સાથે વિશ્વ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા પ્રવાસન વિભાગને 10 કરોડ રૂપિયા ની વધારાની રકમ સરકાર આપશે. તેમણે આજે રૈયાલીમાં ડાયનાસૌર મ્યુઝિયમ નું લોકાર્પણ કરતા હવે ગુજરાતના પ્રવાસન વિકાસ માં એક નવું મોર પીંચ્છ ઉમેરાયાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે વિશ્વના પ્રવાસન નકશે ગુજરાતના પ્રવાસન ધામો સાથે હવે આ મ્યુઝિયમ પણ ચમક્યું છે અને ગુજરાતે વિશ્વના દેશોની હરોળ માં અગ્રેસર રહેવાની પરંપરા સાકાર કરી છે. વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં પ્રવાસન વૈવિધ્યની વિશેષતાઓ ની વિશદ ભૂમિકા આપતા ટુરિઝમ સરકીટ વિકસાવવાની પણ નેમ દર્શાવી હતી. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે બાલાસિનોર તાલુકાના નાનકડા રૈયોલી ગામે દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક-ડાયનાસોર મ્યુઝિયમનું લોકાર્પણ કર્યુ હતું.
અંદાજે સાડા છ કરોડ વર્ષ પહેલા મહિસાગર તાલુકાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામના બાવન હેકટર વિસ્તારમાં મહાકાય ડાયનાસોરની વિવિધ પ્રજાતિઓની સજીવ સૃષ્ટી અસ્તીત્વમાં હતી. તેના જીવાશ્મ (ફોસીલ) અવશેષો થીજીને પથ્થર બની ગયેલા ઇંડા અને વિવિધ સંશોધનોને વણી લઇને વિશ્વનો ત્રીજો અને ભારતનો પ્રથમ ડાયનાસોર જીવાશ્મ ઉદ્યાન બનાવવામાં આવ્યો છે. તેને નાનકડા રૈયોલીને જીવાશ્મ સંશોધન નકશામાં અંકિત કર્યુ છે. ઉદ્યાનની સાથે અદ્યતન ટેકનોલોજીનો વિનિયોગ કરીને ૧૦ ગેલેરી ધરાવતું સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે. જે વિશ્વની ગુજરાતની અને રૈયોલી ડાયનાસોર પ્રજાતિઓની ઉદ્દભવથી વિલુપ્તિ સુધીના વિજ્ઞાન અને ઇતિહાસની જાણકારી આપશે. ગુજરાત પ્રવાસન નિગમ વિકસિત આ સ્થળ વિશ્વ પ્રવાસન નકશામાં સ્થાન પામ્યું છે.
તેમણે કહ્યું કે આ મ્યુઝિયમ અને ફોસીલ પાર્કની મુલાકાત લઈને શાળાના બાળકો થી માંડી ડાયનાસૌરની સૃષ્ટિમાં અને અભ્યાસમાં રસ ધરાવનારા તજજ્ઞો પુરાતત્વ વિદો સંશોધકોને આ જીવાષ્મીની અનેક વાતો ગાથાઓ જાણવા નિહાળવા મળશે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રૈયાલીનો હવે પ્રવાસન ધામ તરીકે વિકાસ થતાં સ્થાનિક રોજગારીની તકો પણ વધશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ડાયનાસોર પાર્કના ઉદઘાટન સાથે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે.ગુજરાતની ધરતીના ગૌરવની વધુ એક ઝાંખી વિશ્વને આજથી જોવા મળવાની છે તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતની ઐતિહાસિક ધરતી પર હડપ્પન સંસ્કૃતિ થી લઇ લોથલ ઘોળાવીરા થી માંડીને અનેક પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળ્યા છે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણની દ્વારિકા નગરીનો પણ ઉલ્લેખ છે. ગુજરાતમાં ડાયનાસોરના અવશેષો પણ બાલાસિનોરની ધરતી પર મળ્યા છે. જેને પ્રવાસન નિગમ દ્વારા ઉજાગર કરી ગુજરાતે દુનિયાને નવું નજરાણું આપ્યું છે.
રૈયોલી ગામની ધરતી ગુજરાતના પ્રાગઐતિહાસિક યુગની ગવાહી આપે છે અને આજે આપણે સૌએ ઇતિહાસને દુનિયા સમક્ષ ખુલ્લો મૂકયો છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત દેશના પ્રવાસન ક્ષેત્રને ભારતના જુરાસિક પાર્ક – રૈયોલીના ડાયનાસોર પાર્કની ભેટ આપી રહ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું. સ્ટીવન સ્પીલબર્ગે “જુરાસિક પાર્ક” નામની જગપ્રસિદ્ધ ફિલ્મ બનાવી હતી. ૧૯૯૩માં રિલીઝ થયેલી એ ફિલ્મે અબાલ-વૃદ્ધ સૌને ઘેલું લગાડ્યું હતું તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ લોકોએ પહેલી જ વખત વિરાટકાય ગરોળી જેવા ડાયનાસોરને સિનેમાના પડદે જોઇને ડાયનાસોર યુગના અદ્વિતીય રોમાંચનો અનુભવ કર્યો હતો તેમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે અત્યાર સુધી જે રોમાંચ આપણે સૌએ માત્ર ફિલ્મો અને ટેલિવિઝનના પડદે જ અનુભવ્યો હતો, તે જ રોમાંચ ગુજરાતમાં આ પાર્કમાં ડાયનાસોર સ્ટેચ્યૂ, રસપ્રદ માહિતી અને ડાયનાસોર સાથે સંબંધિત અદભૂત પ્રદર્શનના માધ્યમથી હવે પ્રવાસન પ્રેમીઓને મળવાનો છે. જે આજે ગુજરાતે ભારતને જુરાસિક પાર્કની ભેટ આપી છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતે વિશ્વના દેશોની હરોળમાં અગ્રેસર રહેવાની પરંપરા અને ગુજરાતને ટુરિઝમ રોલ મોડેલ બનાવવાની નેમ આજે સાકાર કરી છે એનું આપણને ગૌરવ છે તેમ જણાવ્યું હતું. રૈયોલીનું ડાયનાસોર પાર્ક વર્લ્ડ મેપ પર બાલાસિનોરને ચમકાવશે – સ્ટેચ્યૂ ઓફ યુનિટી પછી ગુજરાતનું વધુ એક અલભ્ય પ્રવાસન નજરાણુંડાયનાસોરની સૃષ્ટિમાં રસ ધરાવતા સમગ્ર સંશોધકો, યુવાનો માટે રૈયોલી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
૧૯૮૦ના ગાળામાં રૈયોલીમાં ખોદકામ દરમિયાન ક્રિટેશિયસયુગના ડાયનાસોરના ઈડાં અને અવશેષો મળ્યા હતા તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સંશોધકોએ અહીં નવી પ્રજાતિના અવશેષો શોધી કાઢ્યાં હતા. જિઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના મંતવ્ય પ્રમાણે તો ડાયનાસોર જીવાશ્મિનો એક અદભુત સંગ્રહ અહીં રૈયોલીમાં છે. વિશ્વના અન્ય ભાગોમાં જે ડાયનાસોરના અવશેષો મળ્યાં છે તેની તુલનામાં રૈયોલીમાં મળેલા જુદા જુદા પ્રકારના ડાયનાસોરના અવશેષો અતિ દુલર્ભ અને સંશોધન માટે મહત્ત્વના છે. સાડા છ કરોડ વર્ષ જૂના આ અવશેષો મનાય છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએજણાવ્યું કે આ ઈડાંની કાળગણનાનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું છે કે ભારતની જીવસૃષ્ટિ અને સંસ્કૃતિ છ હજાર કરોડ વર્ષ કરતાં પણ જૂની છે.વિશાળકાય ડાયનાસૌરના લગભગ ૬૫ મીલિયન વર્ષના ઈતિહાસને રજૂ કરતો ભારતનો સૌ પ્રથમ અને અદ્યતન’ખોદકામથી પ્રદર્શન’ સુધીની ગાથા કહેતો રૈયોલીનો માહિતીસભર ડાયનાસોર પાર્ક આજથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પછી ગુજરાતની વધુ એક અજાયબી બન્યો છે.આ ડાયનાસોર પાર્ક રૈયોલી અને બાલાસિનોર તાલુકાને વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકાવશે. મુખ્યમંત્રીશ્રીએજણાવ્યું કે આ ડાયનાસોર પાર્કની સ્થાપનાનો ફાયદો પણ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને થશે અને ગુજરાતનું ટુરિઝમ સેક્ટર વધુ મજબૂત બનશે.
પ્રવાસન વિકાસની નેમ સાથે ગુજરાતની સરકારે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં નવા પ્રવાસન નજરાણાં ઉમેર્યાં છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણના સિંહ, બાલાસિનોરનો ડાયનાસોર પાર્ક, રતનમહાલ રીંછ અભ્યારણ્ય, વેરાવળના દરિયાની ડોલફિન, કચ્છનું સફેદ રણ, જુનાગઢનો સૌથી મોટો રોપ-વેવિશ્વ આખાને ગુજરાત તરફ આકર્ષિત કરશે તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએજણાવ્યું કે પ્રવાસન સુવિધા સ્થપાય એટલે સ્થાનિક નાગરિકોને રોજી-રોટી મળવા સાથે પરંપરાગત હસ્તકલા કારીગરી એમ અનેક વંચિત-ગ્રામીણ પરિવારોને મોટો આર્થિક આધાર મળી રહે છે. એટલે જ ગુજરાતમાં આપણે ટુરિઝમને રોજગાર સર્જનનું સબળ માધ્યમ બનાવ્યું છે. બાલાસિનોરમાં રૈયાલીનો આ ડાયનાસૌર પાર્ક હવે પ્રવાસન આકર્ષણ સહિત સ્થાનિક રોજગારી સર્જનનું સબળ પ્લેટફોર્મ બનશે જ એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો. સૌના સાથ સૌના વિકાસ થકી ગુજરાતનો વિકાસ દુનિયાના ખૂણેખૂણે પહોંચાડી સૌના વિશ્વાસથી ગુજરાતને પ્રવાસનના વિશ્વનક્શે પ્રસ્થાપિત કરવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
રાજયના પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું કે સાડા છ કરોડ વર્ષ પૂર્વે ગુજરાત સજીવ સૃષ્ટિની સમૃધ્ધ વિરાસતનું કેન્દ્ર હતું. એ વાતની પ્રતિતી આ સંગ્રહાલય અને ઉદ્યાન કરાવે છે. આ ગુજરાતનું જુરાસીક પાર્ક છે. ડાયનાસોરની અહીં જે ત્રણ વિશિષ્ટ પ્રજાતિઓ વિશ્વમાં કયાંય ન હતી. ડાયનાસોર આધારીત પ્રવાસનનું આ આગવું અને વિશિષ્ટ કેન્દ્ર બની રહેશે. પ્રવાસન રાજય મંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું કે ડાયનાસોર પાર્કથી મહિસાગર જિલ્લો વિશ્વ પ્રવાસનનું કેન્દ્ર બનતા રોજગારીની વિશિષ્ટ તકો ઉપલબ્ધ થશે. આ સંગ્રહાલય કરોડો વર્ષ પૂર્વેની મહાકાય સજીવ સૃષ્ટિને ટેકનોલોજીથી જીવંત કરે છે.
ટીસીજીએલના પ્રબંધ નિર્દેશક શ્રી જેનું દેવને સહુનું સ્વાગત કરવાની સાથે જણાવ્યું કે આ વિશિષ્ડ ઉદ્યાન અને સંગ્રહાલય અદ્યતન ટેકનોલોજીના આધારે મહાકાય ડાયનાસોરના ઉદ્દભવ અને નાશ સુધીના ઇતિહાસની જાણકી આપશે. દેશ-વિદેશના પ્રવાસીઓ, સંશોધકો અને વૈજ્ઞાનિકોના આકર્ષણનું આ સ્થળ રહયું છે.
મુખ્યમંત્રીશ્રીનું વિવિધ સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, સંગઠનોદ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. આ અવસરે બાલાસિનોર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિમાં રૂા. ૨૫૦૦૦/- નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. અંતમાં કલેકટરશ્રી આર.બી. બારડે આભારવિધિ કરી હતી. આ પ્રસંગે કૃષિ રાજય મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર, સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, પુરવઠા નિગમના અધ્યક્ષ શ્રી રાજેશભાઇ પાઠક, ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયા, ડાયનાસોર ફોસીલ પાર્ક ડેવલોપમેન્ટ સોસાયટીના આલીયા સુલતાના બાબી, ધારાસભ્યશ્રીઓ, પૂર્વધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં નાગરિકો સહિત વિસ્તારના લોકો વિશાળ સંખ્યામાં હાજર રહયાં હતાં.