કોચબિહાર હિંસામાં માર્યા ગયેલા યુવકના પરિવારજનોને મમતા મળ્યા

કોલકતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે કૂચબિહાર પહોંચ્યા હતા. સીતાલકૂચી વિધાનસભા મત વિસ્તારમાં આવતા બૂથ નંબર ૧૨૬ પર સીઆઈએસએફની ગોળી માર્યા ગયેલા ૫ યુવકોના પરિવારજનો સાથે મમતાએ મુલાકાત કરી હતી. મમતા બેનર્જીએ વાયદો કર્યો હતો કે,’અમે હત્યારાઓની ધરપકડ કરીશું. આ સાથે જ તેમની યાદમાં શહીદ મેમોરિયલ પણ બનાવડાવીશું.’
ખાસ વાત એ છે કે, બૂથ નંબર ૧૨૬ પર જે યુવકનું સૌપ્રથમ મોત થયું તેવા આનંદ બર્મનના પરિવારને મમતા સૌથી પહેલા મળવા ગયા હતા. આનંદના પરિવારજનોએ મમતાને મળવાનો ઈન્કાર કરી દીધો હતો અને ટીએમસીના ગુંડાઓની
ધરપકડની માંગ કરી હતી. પછીથી આનંદના નાના ખિતિજ રાય મમતા બેનર્જીને મળવા પહોંચ્યા હતા.
મમતાએ મૃતકોના પરિવારજનોને મળ્યા બાદ કહ્યું કે,’અહીં મારી કોઈ રેલી નહોતી. હું મૃતકોના પરિવારજનોને મળવા પહોંચી છું, એક મૃતકની પત્ની ગર્ભવતી છે, જ્યારે બીજા મૃતકની પત્નીને નાના બાળકો છે.અમે બધાને ન્યાય અપાવીશું. અમે રાજકીય હિંસાના તમામ પીડિતોના પરિવાર સાથે છીએ. અમે આનંદ બર્મનના હત્યારાઓને પણ પકડીશું. રાજબંશી અને મુસ્લિમો બધા અહીં જ છે. મૃતકોની યાદમાં મેમોરિયલ બનાવીશું. બની શકે ચૂંટણી પંચ વધુ એક નોટિસ આપે પરંતુ હું જે કરવા માંગુ છું એ જ કરીશ.’