જયપુરની સરકારી હોસ્પિટલમાંથી ૩૨૦ ડોઝની ચોરી કરવામાં આવી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Corona1-1024x576.jpg)
જયપુર: રાજસ્થાનમાં કોરોના વેક્સિનની અછત બાદ વેક્સિનની ચોરી પણ થવા લાગી છે. જયપુરની એક સરકારી હોસ્પિટલમાંથી કો૦વેક્સીનના ૩૨૦ ડોઝની ચોરી થઈ છે. સ્વાસ્થ્ય વિભાગે અજાણ્યા લોકો સામે ચોરીની ફરિયાદ દાખલ કરી છે. સ્વાસ્થ્ય વિભાગ તે પણ તપાસ કરાવશે કે વેક્સિનનું ગેરકાયદેસર નેટવર્ક તો સક્રિય થયું નથીને.
કોરોના વેક્સિનની ચોરીનો આ દેશભરમાં પ્રથમ મામલો છે. ખાસ વાત છે કે જ્યારે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી તો જે જગ્યાએથી વેક્સિન ચોરી થઈ ત્યાં સીસીટીવી બંધ હતા. તેવામાં શંકા છે કે હોસ્પિટલના કોઈ કર્મચારીના મિલીભગતથી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.
રાજસ્થાન ૧ કરોડથી વધુ લોકોને રસી લગાવનાર બીજુ રાજ્ય છે. રાજસ્થાને સોમવારે બપોર સુધી એક કરોડથી વધુ લોકોનું રસીકરણ કરી દીધુ છે. રાજ્યમાં ચિકિત્સા અને સ્વાસ્થ્ય મંત્રી ડો. રઘુ શર્માએ રાજ્યના ચિકિત્સા કર્મીઓને એક કરોડથી વધુ લોકોનું રસીકરણ કરવા માટે શુભેચ્છા આપી હતી.
તેમણે રાજ્યમાં લોકોને મોટા પાયે રસીકરણ કરાવવાની અપીલ પણ કરી હતી. છેલ્લા ચાર દિવસથી દરરોજ ૪.૭૦ લાખ લોકોને રસી આપવામાં આવી રહી છે. ૫ એપ્રિલે કુલ ૫.૪૪ લાખ, ૬ એપ્રિલે ૪.૮૪ લાખ, ૭ એપ્રિલે ૫.૮૧ લાખ, ૮ એપ્રિલે ૪.૬૫ લાખ, ૯ એપ્રિલે ૪.૨૧ લાખ, ૧૦ એપ્રિલે ૨.૯૬ લાખ અને ૧૧ એપ્રિલે ૧.૧૧ લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.