દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧.૮૫ લાખ નવા સંક્રમિત મળ્યાં
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/corona-6.jpg)
Files Photo
નવીદિલ્હી: દેશમાં ૧ લાખ ૮૫ હજાર ૧૦૪ નવા દર્દીઓ સામે આવ્યા. ૮૨,૨૩૧ લોકો સ્વસ્થ થયા અને ૧,૦૨૬ લોકોના મોત નિપજ્યા છે. આ રીતે એક્ટિવ કેસ એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં ૧ લાખ ૧ હજાર ૮૩૫ લોકોનો વધારો થયો છે. નવા દર્દીઓનો આંકડો તો દરરોજ નવા રેકોર્ડ સર્જી રહ્યું છે પરંતુ પહેલી વખત એક્ટિવ કેસમાં પણ એક લાખથી વધુનો વધારો નોંધાયો છે.
મોતનો આંકડો પણ આ વર્ષે પહેલી વખત ૧,૦૦૦ને પાર થઈ ગયો છે. ગત વર્ષે મહામારીની પહેલી લહેરમાં સૌથી વધુ ૧,૨૮૧ લોકોના મોત ૧૫ સપ્ટેમ્બરનાં રોજ થયા હતા.હેલ્થ મિનિસ્ટ્રીના રિપોર્ટ મુજબ દેશવ્યાપી વેક્સિન ઉત્સવના ત્રીજા દિવસે એટલે કે મંગળવારે લગભગ ૪૦ લાખ લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા. આ રીતે અત્યાર સુધીમાં કુલ ૧૧.૪૩ કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. આ પહેલાં સોમવારે ૩૭ લાખ ૬૩ હજાર ૮૫૮ લોકોને વેક્સિન આપવામાં આવી હતી.
રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને સીબીએસઇની ૧૦માં અને ૧૨માં ધોરણની પરીક્ષાઓ રદ કરાવવાની માગ કરી છે. તેઓએ કહ્યું કે દેશભરમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં પરીક્ષા કરાવવી ખતરાથી વધુ નથી.
દેશમાં કોરોનાની બીજી લહેરની અસર સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગઈ છે. સૂત્રોનું માનવામાં આવે તો સુપ્રીમ કોર્ટના સ્ટાફના અનેક મેમ્બર્સ કોરોના સંક્રમિત થયા છે. એવામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટમાં થનારી તમામ સુનાવણી હવે વીડિયો કોન્ફરન્સિંગથી થશે. તમામ જજ આ દરમિયાન પોતાના નિવાસસ્થાનેથી જ કામ કરશે. આ દરમિયાન કોર્ટની અલગ અલગ બેંચ નિશ્ચિત સમયથી એક કલાક મોડી બેસસે અને સુનાવણી કરશે.