ફરાળી લોટની રોટલી ખાધા બાદ ૧૦૦૦ની તબિયત લથડી
પેટમાં દુખાવો, ઉલ્ટી, ચક્કર અને કંપારીની સમસ્યાથી ત્રસ્ત લોકોએ લાલબહાદુર શાસ્ત્રી હોસ્પિટલમાં ધામા નાખ્યા
નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હી ખાતેથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિલ્હીમાં મંગળવારે રાતે ફરાળી (કુટ્ટુના લોટની) લોટની રોટલી ખાધા બાદ આશરે ૮૦૦થી ૧,૦૦૦ લોકોની તબિયત બગડી હતી જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.
પેટમાં દુખાવો, ઉલ્ટી, ચક્કર અને કંપારીની સમસ્યાથી ત્રસ્ત લોકોએ મંગળવારે રાતે દિલ્હીની લાલબહાદુર શાસ્ત્રી હોસ્પિટલમાં ધામા નાખ્યા હતા. તે પૈકીના સૌથી વધારે દર્દીઓ પૂર્વ દિલ્હીના કલ્યાણપુરી, ખિચડીપુર અને ત્રિલોકપુરી વિસ્તારના હતા. ફરાળી લોટના કારણે થયેલી આ સમસ્યાને લઈ તે વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.
હોસ્પિટલમાં ફરાળી લોટની રોટલી ખાવાના કારણે બીમાર પડેલા ૮૦૦થી ૧,૦૦૦ લોકો સારવાર લઈ રહ્યા હોવાના અહેવાલ છે. જાે કે, હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટે ૪૦૦થી ૫૦૦ લોકોની સારવાર ચાલુ હોવાનું જણાવ્યું હતું અને તે તમામની સ્થિતિ સ્થિર છે.