અભિષેકે ફેન્સ-નાગરિકોને માસ્ક પહેરવાની સલાહ આપી
મુંબઈ: બોલિવુડ સ્ટાર અભિષેક બચ્ચન તેવા સેલેબ્સના લાંબા લિસ્ટમાં સામેલ થયો છે, જેઓ પોતાના ફેન્સને કોવિડ-૧૯ની બીજી લહેર દરમિયાન ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવા માટેની વિનંતી કરી રહ્યા છે. ઉદાહરણ બેસાડવા માટે, એક્ટરે સેલ્ફી શેર કરી છે, જેમાં તેનો ચહેરો માસ્કથી કવર થયેલો છે. આ સાથે તેણે સનગ્લાસિસ પણ પહેર્યા છે. ચાહકો તેમજ સમગ્ર ભારતીયોને વિનંતી કરતાં તેણે લખ્યું છે કે, પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ માસ્ક પહેરેલું રાખો, તમારા માટે નહીં પરંતુ, તમારા પરિવાર, વડીલો, મિત્રો તેમજ પ્રિયજનો વિશે તો વિચારો. એક્ટરે જે વિનંતી કરી છે તેને તેના ફેન્સ ક્લેપિંગ ઈમોજી શેર કરીને વધાવી રહ્યા છે.
બીજી તરફ, બોલિવુડ એક્ટર અને અભિષેકનો સારો મિત્ર ગણાતા રોહિત રોયે મજેદાર કોમેન્ટ કરી છે. તેણે લખ્યું છે કે, ‘હું માસ્ક પહેરવાનું વચન આપું છું જાે તું તારા સનગ્લાસિસ મને મોકલવાનું વચન આપે તો. અભિષેક કોરોના વાયરસથી સંક્રમિત થયેલા બોલિવુડ સ્ટારમાંથી એક હતો. તેની સાથે તેના પતિ અમિતાભ બચ્ચન, પત્ની ઐશ્વર્યા રાય તેમજ દીકરી આરાધ્યા પણ ગયા વર્ષે વાયરસનો શિકાર બન્યા હતા. સાવચેતીના ભાગરુપે પરિવારના ચારેય સભ્યો હોસ્પિટલમાં દાખલ થયા હતા. રિકવર થયા બાદ, અભિષેક ફેન્સમાં જાગૃકતા ફેલાવવાનું કામ કરી રહ્યો છે.
એક્ટર હાલ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી તેની ફિલ્મ ધ બિગ બુલની સફળતાનો આનંદ લઈ રહ્યો છે. જે એક સ્કેમ પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મમાં અભિષેકે જે પાત્ર ભજવ્યું છે તેની સરખામણી ‘સ્કેમ ૧૯૯૨માં પ્રતીક ગાંધીએ ભજવેલા પાત્ર સાથે થઈ રહી છે. અભિષેક પાસે બોબ વિશ્વાસ અને દસવી જેવી ફિલ્મ પણ છે. અભિષેક સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ઘણીવાર ટ્રોલ પણ થાય છે. જાે કે, એક્ટર ટ્રોલ કરનારા લોકોને કેવી રીતે સારી ભાષામાં જવાબ આપી શકાય તે સારી રીતે જાણે છે.