વસ્ત્રાપુરમાં લુંટારૂઓએ યુવાનને તેના ઘરમાં જ લૂંટયો
નોકરીથી પરત આવેલા યુવકને તેની જ રૂમમાં ગોંધી રાખી લુંટ ચલાવી : યુવક પાસેથી એટીએમ કાર્ડ લઈ બેંકમાંથી પણ રૂપિયા ઉપાડી લીધા : ગોળી મારી હત્યા કરવાની ધમકી આપતા યુવક ગભરાઈ ગયો |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ચોરી લુંટફાટની ઘટનાઓથી નાગરિકો સતત અસલામતીની લાગણી અનુભવી રહયા છે પોલીસની અપુરતી કામગીરીથી આવી ટોળકીઓને મોકળુ મેદાન મળી ગયું છે જેના પરિણામે હવે લુંટારુઓ હિંસક પણ બનવા લાગ્યા છે આ પરિસ્થિતિ વચ્ચે શહેરના પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુરમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે.
જેમાં મુળ રાજસ્થાનનો યુવક અમદાવાદમાં નોકરી કરતો હોવાથી વસ્ત્રાપુરમાં ભાડે રૂમ રાખીને રહેતો હતો ગઈકાલે સાંજે તે નોકરીએથી ઘરે આવ્યો ત્યારે તેના રૂમમાં ચાર સશસ્ત્ર લુંટારુઓએ આંતક મચાવી યુવકને ઢોરમાર મારી તેનો કિંમતી મુદ્દામાલ તથા તેને ગોંઘી રાખી તેના એટીએમ કાર્ડમાંથી રોકડા રૂપિયા ઉપાડી ફરાર થઈ જતાં સનસનાટી મચી ગઈ છે. વસ્ત્રાપુર વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં મોટા ઔદ્યોગિક એકમો સ્થપાતા મોટી માત્રામાં નાગરિકોને રોજગારી મળી રહી છે જેના પગલે દેશભરમાંથી નાગરિકો અમદાવાદમાં વસવાટ કરવા લાગ્યા છે.
આ ઉપરાંત અનેક જાણીતી શૈક્ષણિક સંસ્થાઓ પણ આવેલી હોવાથી વિદ્યાર્થીઓ પણ અમદાવાદ આવવા લાગ્યા છે જેના પરિણામે શહેરના વસ્ત્રાપુર, સેટેલાઈટ તથા આસપાસના વિસ્તારોમાં મોટી માત્રામાં પેઈન ગેસ્ટ તરીકે રાખવાનો ધંધો ચાલી રહયો છે.
આવા પેઈન ગેસ્ટ તરીકે હાલમાં અમદાવાદ શહેરમાં હજારો યુવક-યુવતિઓ રહે છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિંમતલાલ પાર્ક પાસે માલવ એપાર્ટમેન્ટમાં મુળ રાજસ્થાનનો હર્ષિત વિરેન્દ્ર નામનો ર૭ વર્ષનો યુવક ભાડે રૂમ રાખીને રહે છે
હર્ષિત અમદાવાદની એક કંપનીમાં નોકરી કરે છે તા.ર૬મીએ નિત્યક્રમ મુજબ તે નોકરી કરીને ઘરે પરત આવ્યો હતો. રાતના ૭.૪પ વાગ્યાની આસપાસ તે પોતાની રૂમમાં એકલો હતો ત્યારે અચાનક જ કોઈએ બહાર દરવાજા ખખડાવ્યો હતો જેના પરિણામે તેણે દરવાજા ખોલતા જ એક અજાણ્યો શખ્સ જાવા મળ્યો હતો.
હર્ષિત કશું સમજે તે પહેલાં જ આ અજાણ્યા શખ્સે તેને ધક્કો મારી અંદર ધકેલ્યો હતો અને પોતે ઘરમાં ઘુસી ગયો હતો આ અજાણ્યા શખ્સની પાછળ અન્ય એક શખ્સ પણ તેની પાછળ પાછળ રૂમમાં ઘુસી આવ્યો હતો. હર્ષિતે દરવાજા ખોલતા જ બે અજાણ્યા શખ્સો રૂમમાં ઘુસી આવ્યા બાદ તેને ધમકી આપતા જ હર્ષિતે બુમાબુમ કરવાનો પ્રયાસ કર્યો હતો
જેના પગલે ઉશ્કેરાયેલા બંને શખ્સોએ તેને માર્યો હતો અને બુમાબુમ કરી તો ગોળી મારી દઈશુ તેવી ધમકી આપી હતી આ દરમિયાનમાં અન્ય બે શખ્સો પણ આવી પહોંચ્યા હતાં અને ચારેય શખ્સોએ ભેગા થઈ હર્ષિતનો ફોન લુંટી લીધો હતો. ત્યારબાદ તેને રૂમમાં બેડ પર બેસાડી અન્ય બે શખ્સોએ તીજારી તથા કબાટ ફેદી નાંખ્યા હતા અને તેમાંથી ર ઘડિયાળ, પાવર બેંક સહિતનો મુદ્દામાલ લુંટી લીધો હતો આ ઉપરાંત હર્ષિતના પર્સમાંથી પણ રોકડ રૂપિયા લૂંટી લીધા હતાં.
લુંટારુઓએ હર્ષિતના પર્સમાંથી બે ડેબિટ કાર્ડ લુંટી લીધા હતા અને તેનો પીન નંબર પુછતા હર્ષિતે નંબર જણાવવાની ના પાડતાં જ ઉશ્કેરાયેલા શખ્સે ફરી વખત ગોળીમારી હત્યા કરવાની ધમકી આપતા તે ગભરાઈ ગયો હતો અને પીન નંબર જણાવતા જ બે શખ્સો તે કાર્ડ લઈને એટીએમ જવા નીકળ્યા હતા અને બે શખ્સો હર્ષિત પાસે રહયા હતાં
થોડીવારમાં જ આ બંને શખ્સો પરત રૂમ પર આવ્યા હતા. ત્યારબાદ હર્ષિતને ધક્કો મારી નીચે પાડી દીધો હતો અને તેનો મોબાઈલ ફોન પણ બંધ કરી રૂમમાં ફેકી ચારેય લુંટારુઓ ઘરનો દરવાજા બંધ કરી ભાગી છુટયા હતાં હર્ષિતે તાત્કાલિક તેનો ફોન ચાલુ કરતા જ તેના ડેબિટ કાર્ડમાંથી રૂ.પ૦ હજાર ઉપડી ગયાના મેસેજા આવ્યા હતાં.
લુંટની ઘટના બાદ ગભરાયેલા હર્ષિતે તેના મિત્રને ફોન કર્યો હતો ઘટનાની જાણ થતા તેનો મિત્ર પણ દોડી આવ્યો હતો અને તાત્કાલિક બંને મિત્રો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોચી ગયા હતા અને ત્યાં સમગ્ર ઘટના જણાવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં. વસ્ત્રાપુર જેવા પોશ વિસ્તારમાં મોડી સાંજે બનેલી ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે.
વસ્ત્રાપુર પોલીસે આ અંગે લુંટની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચારેય લુંટારુઓ ર૦ થી રપ વર્ષની વયના હતા અને પોલીસે ઘટના સ્થળની આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં છે.