ચોમાસુ સામાન્ય રહેશે, ૯૬થી ૧૦૪ ટકા વરસાદનું અનુમાન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/12/rains-scaled.jpg)
File
દેશમાં જુનથી સપ્ટેમ્બર વચ્ચે ચોમાસુ સક્રિય, આગામી ૨૪ કલાકમાં રાજસ્થાનના અનેક વિસ્તારમાં વરસાદ થશે
નવી દિલ્હી, કોરોનાના સંક્રમણથી દેશમાં ફેલાયેલા હાહાકાર વચ્ચે હવામાન વિભાગે થોડી રાહત અને ટાઢક મળે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે, કોરોના સંકટ વચ્ચે આ વખતે દેશમાં ચોમાસુ નોર્મલ રહેશે. આ વર્ષે ૯૬ થી ૧૦૪ ટકા જેટલો વરસાદ રહે તેવુ અનુમાન છે.
દેશમાં જુનથી સપ્ટેમ્બર વચ્ચે ચોમાસુ સક્રિય રહેશે. કેન્દ્રના હવામાન વિભાગે કહ્યુ હતુ કે, આ વર્ષે નોર્મલ ચોમસાના કારણે ખેડૂતોને ફાયદો થાય તેમ લાગી રહ્યુ છે. હવામાન વિભાગના અધિકારી રાજીવને કહ્યુ હતુ કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસાની સરેરાશની સરખામણીએ ૯૮ ટકા વરસાદ રહેશે તેવી આગાહી છે. દરમિયાન આગામી ચોવીસ કલાકમાં રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને તોફાની પવન ફૂંકાવાની આગાહી છે.
આ પહેલા પ્રાઈવેટ વેધર ફોરકાસ્ટિંગ કંપનીએ પણ આગાહી કરી હતી કે, ભારતમાં ૧ જુને કેરાલામાં ચોમાસાનુ આગમન થાય તેવી શક્યતા છે. એ પછી ચોમાસુ પરંપરાગત રુટ પર આગળ વધીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પહોંચશે.