મોડાસામાં રેપિડ ટેસ્ટના ડૉમ તૈયાર નહીં થતાં PHC પર કર્મચારીઓનું ભારણ વધ્યું
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: કૉરોનાની બીજી લહેર ખૂબ જ આકરી પરિસ્થિતિમાં જોવા મળતા સરકાર પણ આ માટે તમામ પ્રયાસો કરી રહી છે, આ વચ્ચે કેન્દ્ર સરકારે ટેસ્ટિંગ પર ભાર આપવા તંત્રને આદેશ કર્યા છે, પણ વાસ્તવિક પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની હોય તેવું લાગી રહ્યું છે.
અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ પણ હવે કૉરોનામાં સપડાયું હોય અને બેઠું ન થતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કેન્દ્ર સરકારે કૉરોનાના વાયરસને અટકાવવા ટેસ્ટિંગ કરવા પર ખૂબ જ ભારપૂર્વક જણાવ્યું છે, જો કે આ વચ્ચે મોડાસા અર્બન હેલ્થ સેન્ટર પર એક થી બે ટીમ પર ટેસ્ટિંગનું કામ થોપી દેવાયું હોય તેવું સ્પષ્ટ જોવા મળે છે.
અરવલ્લી જિલ્લામાં કૉરોનાના કહેર વચ્ચે પ્રતિદિન અઢીસો થી વધારે કેન્દ્રો ખાતે વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, તો રેપિડ ટેસ્ટ માટે ડૉમ કેમ તૈયાર કરવામાં આવતા નથી તે પણ સણસણતો સવાલ ઊઠી રહ્યો છે.
મોડાસા શહેરમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રતિદિન અઢીસો થી ત્રણસો લોકો રેપિડ ટેસ્ટ કરાવવા માટે ધસારો જોવા મળતો હોય છે, આ વચ્ચે ટેસ્ટ કિટ પણ ખૂટી પડવાની સમસ્યાઓ સામે આવે છે, પણ માત્ર એક જ જગ્યા પર ટેસ્ટિંગ કેમ કરાય છે. મોડાસા શહેરમાં ટેસ્ટિંગ માટે ડૉમ તૈયાર કેમ કરવામાં આવતા નથી?
ડૉમ તૈયાર કરવા માટે એટલો મોટો ખર્ચ પણ થતો નથી પણ આરોગ્ય વિભાગને જાણે કંઇ સૂઝતું ન હોય તેવું લાગી રહ્યું છે, અને માત્ર ટેસ્ટિંગની કામગીરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચલાવી સંતોષ માણી રહી છે. પણ પ્રજાનું શું તેની ચિંતા આરોગ્ય વિભાગને નથી.
મોડાસા તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રેપિડ ટેસ્ટ કરવામાં આવતા હોય છે, પણ કિટ ખૂટી પડવાને કારણે લોકો નાસીપાસ થતા હોય છે, અને મોડાસા આવે ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરીને ત્યાં રેપિડ ટેસ્ટ કરવા પહોંચી જાય છે, એટલું જ નહીં રાજસ્થાનથી મોડાસા સારવાર કરાવવા આવતા દર્દીઓ પણ હવે મોડાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રેપિડ ટેસ્ટ કરાવવા આવી જાય છે, જેને કારણે આરોગ્ય વિભાગના કોરોના વોરિયર્સ જાણે ભાર સહન કરવા રાખ્યા હોય તેવી કફોડી હાલત બની જાય છે. આવું કામ કરાવીને કોરોના વોરિયર્સ પર ભારણ કેમ આપવામાં આવે છે, કેમ શહેરના વિવિધ વિસ્તારોમાં રેપિડ ટેસ્ટ ડોમ શરૂ કરવામાં નથી આવતા, તે સવાલ છે.
પ્રધાનમંત્રીએ ટેસ્ટિંગ કરવા પર ખૂબ જ ભાર આપ્યો છે, આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ સારી કામગીરી કરી રહી છે, પણ એકાદ ટેસ્ટિંગ કેન્દ્રથી કૉરોના વોરિયર્સની હાલત અરવલ્લી આરોગ્ય વિભાગે કફોળી બનાવી દીધી હોય તેવું લાગી રહ્યું છે. સરકારના આદેશનું પણ અહીં પાલન ન થતું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં રેપિડ ટેસ્ટ માટે તાત્કાલિક ડૉમ તૈયાર કરવા જોઈએ જેથી મોડાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જમાવડો ન થાય અને આરોગ્ય કર્મીઓ ભારણવિના રેપિડ ટેસ્ટની કામગીરી કરી શકે.
કૉરોનાના આવા કપરા સમયમાં અરવલ્લી આરોગ્ય વિભાગ કઠોર મન બનાવીને રેપિડ ટેસ્ટની કામગીરી પર કંઇ વિચારતી નથી, જેથી નાના કર્મચારીઓનો મરો થાય છે, અને ઉચ્ચ અધિકારીઓ આંકડા ઉપર મોકલી આપે છે, જરા વિચારો એક કે બે ટીમ દ્વારા આવા કામ લેવાથી તેમની હાલત શું થતી હશે ? જરાં ઠંડા મગજથી વિચારીને મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં રેપિડ ટેસ્ટ ડોમ તૈયાર કરો તો મોડાસા અર્બન હેલ્થ સેન્ટરમાં ભીડ પણ ઓછી થાય અને ભારણ પણ..