રૂ.8 કરોડની કિમતના 120 મેક્સ વેન્ટિલેટર 3 મહિના માટે દર્દીઓની જીવન રક્ષા માટે ઉપયોગમાં લેવા ટોકન ભાડે પૂરા પાડ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Baroda-Story-Pics-1-scaled.jpg)
વડોદરાની વેન્ટિલેટર ઉત્પાદક કંપનીનું અસાધારણ જીવન રક્ષક સૌજન્ય-કંપની વડોદરાને અગ્રતા આપી વધુ 100 વેન્ટિલેટર પૂરા પાડશે
ખાસ ફરજ પરના અધિકારીએ કંપનીના કોરોના લડવૈયા તરીકે ના સહયોગી યોગદાનને દિલથી બિરદાવ્યું
વડોદરામાં મકરપુરા ખાતે આવેલી એ.બી.ઇન્ડસ્ટ્રીઝ જીવન રક્ષામાં અનિવાર્ય ઉપયોગીતા ધરાવતા મેક્સ પ્રોટોન પ્લસ વેન્ટિલેટર બનાવે છે અને ગુજરાત સહિત દેશના વિવધ રાજ્યોને પૂરા પાડે છે.કોરોના સામેની લડતમાં આ કંપનીએ તંત્રને ખૂબ ઉપયોગી જીવન રક્ષક યોગદાન આપ્યું છે અને મજબૂત પીઠબળ પૂરું પાડ્યું છે. ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે આ કંપનીના અસાધારણ અને જીવન રક્ષક યોગદાન પર પ્રકાશ પાડતા તેમના આ માનવીય અભિગમને દિલથી બિરદાવ્યો છે.
તેમણે જણાવ્યું કે તાજેતરમાં બે અઠવાડિયા પહેલાં આ કંપની એ માત્ર ટેલીફોનીક વિનંતીને માન આપીને રૂ.8 કરોડની કિંમતના 120 વેન્ટિલેટર નામ માત્રના ભાડાથી વડોદરાના કોવિડ દર્દીઓ માટે કામચલાઉ ઉપયોગમાં લેવા સંમતિ આપી હતી.તેમનું આ સૌજન્ય દર્દીઓ ની જીવનરક્ષામાં ખૂબ ઉપયોગી બની રહ્યું છે.
આ કંપની પાસે હાલમાં દેશના વિવિધ રાજ્યોમાંથી વેન્ટિલેટર ની મોટી માંગ છે.તેમ છતાં, કંપનીએ ગુજરાત મેડિકલ સર્વિસિસ કૉર્પોરેશન લિમિટેડના માધ્યમથી ખરીદવાના છે તેવા, વડોદરા માટે વધુ 100 વેન્ટિલેટર અગ્રતાના ધોરણે એક સપ્તાહમાં પૂરા પાડવા સંમતિ આપી છે.
સામાન્ય રીતે આવો ઓર્ડર પૂરો કરતા એક મહિનાનો સમય લાગી શકે. ડો.રાવે આજે આ કંપનીની મુલાકાત લીધી ત્યારે આ માનવતાભર્યા સૌજન્ય માટે કંપનીના એમ.ડી.શ્રી અશોક પટેલ અને ટીમને દિલથી ધન્યવાદ આપ્યા હતા.