કોરોના કારગિલ યુધ્ધ કરતા પણ ખતરનાક : પૂર્વ આર્મી ચીફ જનરલ
નવીદિલ્હી: પાકિસ્તાન સાથેના કારગિલ યુધ્ધ વખતે ભારતીય સેનાના વડા રહી ચુકેલા નિવૃત્ત જનરલ વી પી મલિકે કોરોનાની હાલની સ્થિતિની સરખામણી કારગિલના યુધ્ધ સાથે કરી છે.
વી.પી. મલિકે કહ્યુ હતુ કે, કોરોના સામેનો જંગ તો કારગિલ કરતા પણ ખતરનાક છે. ભારતમાં કોરોનાના કારણે બે દિવસમાં ૨૪૦૦ લોકોના મોત થયા છે.આ આંકડો કારગિલ જંગમાં શહીદ થયેલા સૈનિકોની સંખ્યા કરતા અઢી ગણો છે.પણ શું દેશ આ યુધ્ધ તરફ ખરેખર ધ્યાન આપી રહ્યુ છે? તેમણે સાથે સાથે દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન, ચૂંટણીની રેલીઓ અને ધાર્મિક આયોજનનોની તથા કોરોના સામે જરુરી સંસાધનોની અછતની પણ ટીકા કરી હતી.જનરલ મલિકે સાથે સાથે દેશવાસીઓને જાગૃત થવાની અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સામેના કારગીલ જંગમાં આપણા ૫૨૭ સૈનિકો શહીદ થયા હતા.તેની સરખામણી કોરોના સાથે કરીને જનરલ મલિકે કોરોના સામેનો જંગ કેટલો ખતરનાક છે તે જણાવવાનો પ્રયાસ કર્યો છે.