બહેરામપુરાના ગંજ શોહદા કબ્રસ્તાનમાં એક જ દિવસમાં ૨૫ ડેડબોડીની દફનવિધિ
અમદાવાદ: કોરોનાના સેકન્ડ વેવના કારણે અમદાવાદના મૃત્યુઆંકમાં અત્યંત ઉછાળો આવ્યો છે. રોજના અનેક લોકોના કોરોનાના કારણે મોત નીપજી રહ્યા છે તો સરકારી આંકડે તેનો હિસાબ કંઈક અલગ જ જાેવા મળી રહ્યો છે.
શહેરની હાલત એવી થઇ ગઈ છે કે હોસ્પ્ટિલમાં દર્દીઓને બેડ જ નથી મળી રહ્યું છે , એટલુંજ નહિ અનેક દર્દીઓ એવા છે કે તેમને હોસ્પિટલમાં પાર્કિંગ એરિયામાં ઉભેલી ૧૦૮ ઇમરજન્સી સેવાની અંદર ઓક્સિજન આપીને તેમની સારવાર કરવામાં આવી રહી છે. અત્યંત દુઃખદની વાત એ પણ છે કે શહેરમાં અનેક જગ્યાએ ઓક્સિજન ખૂટી જવાની ફરિયાદો પણ ઉઠી છે.
આ તો વાત થઇ જીવતા માણસોની ફરિયાદો અંગેની , હવે વાત કરીએ એવા લોકોની કે જેઓ હવે દુનિયાને અલવિદા કરી ગયા છે. અમદાવાદમાં કોરોના તેમજ કુદરતી મોતના કારણે ટપોટપ લોકોના મોત થઇ રહ્યા છે. હાલત એવી છે કે સ્મશાન અને કબ્રસ્તાનમાં અંતિમ ક્રિયા કરવા માટે ભારે હાલાકી ઉભી થઇ રહી છે.શમશાનમાં ડેડબોડીને બાળવા માટે લાકડા ખૂટી રહ્યા છે તો કબ્રસ્તાનમાં ડેડબોડીને દફનાવા માટે જમીન ખૂટી પડી રહી છે. આ એક કાલ્પનિક નહિ બલ્કિ વાસ્તવિક ઘટના છે.
અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલા ગંજ શોહદા કબ્રસ્તાનમાં રવિવારના દિવસે ૨૫ જેટલી ડેડબોડીને દફનાવામાં આવી હતી. જેમાંથી ઘણી ડેડબોડી કોરોના વાયરસના સંક્રમિતની હતી.જયારે બાકીની ડેડબોડી કુદરતી મોતના કારણે દફનાવામાં આવી હતી. એક જ દિવસની અંદર ૨૫ જેટલી ડેડબોડીને કબ્રસ્તાનમાં દફનાવામાં આવતા કબ્રસ્તાનમાં કબર ખોદવા વાળા તમામ છોકરાઓની હાલત એટલી ખરાબ થઇ ગઈ છે કે તેઓ કબર ખોદી ખોદીને થાકી રહ્યા છે. એટલુંજ નહિ મૃતકોના સ્વજનોને દફનવિધિ માટે વેટીંગ લિસ્ટ આપવામાં આવી રહ્યું છે અને તે મુજબ નંબર વાઈઝ ડેડબોડીની દફન વિધિ ગંજ શોહદા કબ્રસ્તાનમાં થઇ રહી છે. એટલુંજ નહિ આટલી મોટી સંખ્યામાં જયારે દફન વિધિ એ પણ માત્ર એક જ દિવસમાં કરવામાં આવતા કબ્રસ્તાનમાં દફન વિધિ માટે જમીન ખૂટી રહી છે. સાથે જ આસપાસના વિસ્તારમાં આ વિષય ઉપર ભારે ચર્ચાઓ ચાલી રહી છે.