Western Times News

Gujarati News

કુમકુમ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ર૪૦ મી જયંતી અને ર૮ મો પાટોત્સવ ઉજવાશે

-શ્રી સ્વામિનારાયણ ભગવાને ર૦૦ વર્ષ પહેલા સંદેશ આપેલો છે કે, કોઈ વખત લાખો રુપિયાનો ખર્ચ કરીને મોટો મહોત્સવ થાય અને કોઈ વખતે તુલસીપત્ર અર્પણ કરીને પણ ઉત્સવ થાય, તેમાં પ્રસન્ન રહેવું જોઈએ. – સાધુ પ્રેમવત્સલદાસજી

-કોરોના વાયરસના કારણે આ ઉત્સવ હરિભક્તો વિના ઓનલાઈન ઉજવાશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનની ર૪૦મી જયંતી મહંત સદગુરુ શારત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં તા. ર૧ એપ્રિલના રોજ અને શ્રી ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ તા. રર ના રોજ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, – કોરોના વાયરસની ઉપાધિમાંથી ભગવાન સૌની રક્ષા કરે તે માટે દેશવિદેશના ભકતો દ્વારા સ્વામિનારાયણ મહામંત્રની ધૂન છેલ્લા ૧૧ દિવસથી પ્રારંભ કરવામાં આવી છે તેની પૂર્ણાહુતિ તા. ર૧ એપ્રિલના રોજ રાત્રે ૧૦-૦૦ વાગે કરવામાં આવશે.

https://www.youtube.com/watch?v=7F0uBeWeDOQ

 

આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રાગટ્ય જયંતીની ઉજવણી રાત્રે ૮ – ૩૦ થી ૧૦ – ૩૦ થી કરવામાં આવશે. આ પ્રસંગે ભગવાનને પારણિયામાં ઝુલાવી આરતી અને ઓચ્છવ કરવામાં આવશે.

તા. રર એપ્રિલ ના રોજ સવારે ૮ – ૩૦ થી ૧૦ – ૦૦ કુમકુમ મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના સંકલ્પસ્વરુપોની પ્રતિષ્ઠા થઈ તેને ર૮ વર્ષ પૂર્ણ થતાં પાટોત્સવની ઉજવણી પ્રસંગે પંચામૃત અને અને વિવિધ જળથી અભિષેક કરી ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવશે અને અંતમાં મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી આશીવર્ચન પાઠવશે.

હાલની કોરાનાની વિષમ પરિસ્થિતિ ના કારણે સમગ્ર મહોત્સવ હરિભક્તોની ગેરહાજરીમાં ઓનલાઈન ઉજવાશે.આ ઉત્સવનો લાભ દેશ અને વિદેશમાં સૌને પ્રાપ્ત થાય તે માટે સ્વામિનારાયણ મંદિર – કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ વિશેષમાં જણાવ્યું હતું કે, આ હાલ કોરોના વાયચરસની મહામારીરુપી મહાકાળ આવ્યો છે ત્યારે આપણે ઘરે બેસીને ભજન કરવું જોઈએ તેમાં જ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો રાજીપો છે. તેવું શ્રી
સ્વામિનારાયણ ભગવાને સ્વંય આજથી ર૦૦ વર્ષ પહેલા મધ્ય પ્રકરણના ર૧ મા વચનામૃતમાં કહ્યું છે કે, કોઈ વખત લાખો રુપિયાનો ખર્ચ કરીને મોટો મહોત્સવ થાય અને કોઈ વખતે તુલસીપત્ર અર્પણ કરીને પણ ઉત્સવ થાય, તેમાં પ્રસન્ન રહેવું જોઈએ.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન અંગે જણાવ્યું હતું કે,પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય આજથી ર૪૦ વર્ષ પૂર્વે એટલે કે, સંવત્‌ ૧૮૩૭ ના ચૈત્ર સુદ નોમના રોજ અયોધ્યા પાસે આવેલા છપૈયા ગામે થયું હતું.તેમણે પોતાની કર્મભૂમિ ગુજરાતને બનાવી. ગુજરાતમાં આવી શ્રી સ્વામિનારાયણ ભગવાને પ્રજાની ચેતનાને જગાડી અને નવો જ ઘાટ આપ્યો. સુષુપ્ત રહેલા ધર્મના સંસ્કારોને ઢંઢોળીને બેઠા કર્યાં.

સમાજમાં અસામાજિક અને માથાભારે તત્વોને પ્રેમથી જેર કરીને તેમને સદમાર્ગે વાળ્યાં.નૈતિકતાના પાઠ ભણાવ્યા, પતિતોને પાવન કર્યાં, વ્યસનીઓનાં વ્યસન મૂકાવ્યાં, અધમોને ઉદ્ધાર્યાં.શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના સંતો ગુજરાતના ગામડે-ગામડે ઘૂમ્યા છે અને સહુ કોઈના જીવન સદાચારીમય બનાવ્યા છે.પ્રમાણિકતાના માર્ગે સહુને વાળ્યા છે. તેથી જ આજે અધ્યાત્મ વિદ્યાનો રંગ ચઢાવીને પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને પોષેલ એ સંતો, કવિઓ, પ્રણાલિકાઓ, સાહિત્ય, કલા, સંગીત, ઉત્સવો, સમૈયા મંદિરોએ સકળ ધર્મસામગ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભારતીય સંસ્કૃતિને સાગમટે સાંપડી છે. જે આજેય સંપ્રદાયનો દિગ્વિજય કરતી અનેકને ઉચ્ચ જીવનની પ્રેરણા પૂરી પાડે છે.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.