નવ્યા ફેમ સૌમ્યા સેઠ ત્રાસદાયી લગ્નજીવન વેઠી ચૂકી છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/article-scaled.jpg)
મુંબઈ: એક્ટ્રેસ સૌમ્યા સેઠ સીરિયલ નવ્યા દ્વારા ઘરે ઘરે જાણીતી થઈ હતી. ૨૦૧૯ના એપ્રિલ મહિનામાં સૌમ્યાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા લગ્નજીવનમાં મુશ્કેલી હોવાની તેમજ ઘરેલુ હિંસાનો શિકાર બની હોવાની વાત કરી હતી. સૌમ્યા છેલ્લે ૨૦૧૬માં સીરિયલ ‘ચક્રવર્તી અશોક સમ્રાટમાં જાેવા મળી હતી. તેણે અરુણ કપૂર નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા.
અરુણના માતાપિતા દિલ્હી અને અફઘાનિસ્તાનનું બેકગ્રાઉન્ડ ધરાવે છે અને પંજાબી છે. જાે કે, અરુણ પાસે અમેરિકાનું નાગરિકત્વ છે. સૌમ્યા છેલ્લા પાંચ વર્ષથી યુએસમાં રહે છે અને હાલ સિંગલ મધર છે. વારાણસીમાં જન્મેલી સૌમ્યાએ વાતચીતમાં લગ્નજીવનના કડવા અનુભવ અને તેમાંથી કેવી રીતે બહાર નીકળીને આજે ખુશહાલ જીવન જીવી રહી છે તે વિશે વાત કરી છે.
તું છેલ્લા પાંચ વર્ષથી ઈન્ડસ્ટ્રીથી દૂર છે. છેલ્લે એક ઈન્ટરવ્યૂમાં તે તારા મુશ્કેલ લગ્ન જીવન અને ઘરેલુ હિંસા વિશે વાત કરી હતી. શું એ પછી તે છૂટાછેડા લીધા છે? હું હાલ યુએસના વર્જિનિયામાં છું અને માતૃત્વને મન ભરીને માણી રહી છું. મેં જૂન ૨૦૧૯માં છૂટાછેડા લીધા હતા. હવે હું ખુશ છું. મને મારા પરિવાર અને ખાસ કરીને મારા સાડા ત્રણ વર્ષના દીકરા આયદન તરફથી અઢળક પ્રેમ મળી રહ્યો છે, તેમ સૌમ્યાએ કહ્યું. સૌમ્યાએ જવાબ આપતા કહ્યું, આ વાત ૨૦૧૭ની છે,
આયદન જન્મ્યો તે પહેલાની. હું પ્રેગ્નેન્ટ હતી અને મારા પેરેન્ટ્સ વર્જિનિયા આવ્યા તે પહેલા હું આત્મહત્યા કરવાના રસ્તા શોધી રહી હતી. તેમણે મારી મદદ કરી અને મને એ અત્યંત નાજુક અને વિકટ સ્થિતિમાંથી બહાર કાઢી હતી. મને યાદ છે એક વખત હું અરીસાની સામે ઊભી હતી અને મારી જાતને ઓળખી પણ નહોતી શકતી. મારા આખા શરીર પર ઈજાના નિશાન હતા.
હું પ્રેગ્નેન્ટ હતી તેમ છતાં કેટલાય દિવસો ભૂખી રહી હતી. હું બીજા કેટલાક દિવસો સુધી અરીસામાં મારી જાતને જાેવાની હિંમત ના કરી શકી. જ્યારે મેં મારી જાતને અરીસામાં જાેઈ ત્યારે જિંદગીનો અંત આણવાનું નક્કી કરી લીધું. જાે કે, હું પ્રેગ્નેન્ટ હતી. ત્યારે મને લાગ્યું કે જાે હું મરી જઈશ તો મારા આવનારા બાળક/બાળકીને ખબર નહીં પડે કે હું તેને કેટલો પ્રેમ કરતી હતી. તેને મા વિના જીવવું પડત. હું મારી જાતને મારી શકી હોત પરંતુ હું મારા બાળકને હાનિ થાય તેવું કશું નહોતી કરવા માગતી. માટે આ રીતે મારા દીકરા આયદને મારો જીવ બચાવ્યો છે.