કોરોનાને કારણે ટ્રાન્સપોર્ટ સેક્ટરને દરરોજ ૩૧૫ કરોડ રૂપિયાનું નુકસાન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/transport-1024x576.jpg)
Files Photo
નવીદિલ્હી: કોરોના મહામારીએ અર્થતંત્રની કમર તોડી નાખી છે. નાઈટ કર્ફ્યૂ બાદ શનિવાર અને રવિવારે આંશિક લૉકડાઉન અને હવે રાજ્ય સરકારો સંપૂર્ણ લૉકડાઉન લાદવા માટે મજબૂર છે. રાજધાની દિલ્હીમાં સોમવાર સુધીમાં સંપૂર્ણ લૉકડાઉન લાદવાની જાહેરાત મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી છે. એક અઠવાડિયાનું આ લૉકડાઉન કોરોનાની બગડતી સ્થિતિ પર કાબૂ મેળવવા માટે કરવામાં આવ્યું છે. જાેકે, લૉકડાઉનના કારણે સામાન્ય માણસની સાથોસાથ તમામ સેક્ટર ઉપર ગંભીર અસર પડશે.
સૌથી વધુ અસર ટ્રાન્સપોર્ટ સેક્ટરને પણ થઈ છે. આ સેક્ટર દરરોજ ૩૧૫ કરોડ રૂપિયાનું નુકસાન સહન કરે છે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના કોર કમિટીના સભ્ય બી મલકિતસિંહ દ્વારા ટ્રાન્સપોર્ટ સેકટરને થઈ રહેલા નુકસાન અંગે વિગતો આપવામાં આવી છે. તેમણે વાતચીતમાં કહ્યું હતું કે, વિકેન્ડ કર્ફ્યૂ દરમિયાન આવશ્યક વસ્તુઓ સિવાય અન્ય દુકાનો બંધ રહેશે. બંધની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જાેવા મળે છે. નિયંત્રણોના કારણે ટ્રાન્સપોર્ટ સેક્ટરને દરરોજ રૂ. ૩૧૫ કરોડનું નુકસાન વેઠવું પડે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં ટ્રકોની માંગમાં અત્યારે ૫૦ ટકા સુધીનું ગાબડું પડી ગયું છે. વર્તમાન સમયે માત્ર મેડિકલ ઓક્સિજન સિલિન્ડર, દવાઓ, પીપીઈ કીટ અને ફ્રૂટ જેવી આવશ્યક સેવા માટે જ ટ્રકનો ઉપયોગ થઈ રહ્યો છે. અન્ય સેવાઓમાં ઉપયોગમાં લેવાતા ટ્રક થંભી ગયા છે. હજુ ટ્રાન્સપોર્ટર ૨૦૨૦ ના લૉકડાઉનમાંથી બેઠું થયું નથી, ત્યાં તો ટ્રાન્સપોર્ટર્સ અને ટ્રક ચલકો ઉપર ફરીથી સંકટ તોળાઈ રહ્યું છે. દેશના ૫૭ ટકા ભાગમાં નિયંત્રણોની અસર થઈ છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ટ્રાન્સપોર્ટરોને ટેક્સ, ટ્રકના હપ્તા, વીમા, ડ્રાઇવરો અને કર્મચારીઓના પગાર સહિતનો ખર્ચો કરવો પડે છે. જે ધ્યાનમાં રાખી રાજ્ય સરકારના કરવેરા, પરવાના, ફિટનેસ ફી, ખાલી પડેલા ટ્રક માટે પાર્કિંગ ફી સહિતના મામલે રાહત આપવામાં આવે તેવી માંગણી ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસની છે. કેન્દ્ર સરકાર અને આરબીઆઇ દ્વાર ઈ વે બિલ રદ્દ કરવા, હપ્તા ભરવામાં મોડું થાય તો રાહત અપાવી જાેઈએ. ટ્રક ચાલકોને રસીકરણ માટે પ્રાથમિકતા અપાવી જાેઈએ તેવી માંગ છે.