આમોદ પાલિકાના ત્રણ સફાઈ કામદાર કોરોના સંક્રમિત થતાં મેડિકલ સુવિધા આપવાની માંગ

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: આમોદ નગરપાલિકાના ત્રણ સફાઈ કામદારો કોરોના સંક્રમિત થતા અન્ય સફાઈ કામદારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.એક તરફ કોરોના જેવા કપરા કાળમાં પણ સફાઈ કામદારો નગરને સ્વચ્છ રાખી સેવા કરી રહ્યા છે ત્યારે આમોદ પાલિકા તરફથી સફાઈ કામદારોને અન્ય કોઈ મેડિકલ સેવા ના મળતા તેમણે આમોદ પાલિકાના સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો હતો.આમોદ પાલિકમાં લગભગ ૪૭ થી વધુ સફાઈ કામદારો ફરજ બજાવે છે.જે પૈકી ત્રણ સફાઈ કામદાર નામે અશ્વિનભાઈ ચીમનભાઈ સોલંકી, કનુભાઈ છગનભાઇ સોલંકી, તેમજ પુષ્પાબેન ધનસુખભાઈ ચૌહાણને કોરોના થઈ ગયો હતો.
જેથી આજ રોજ સફાઈ કામદારના પ્રમુખ હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે અમારા સફાઈ કામદારો પાલિકાના કોરોના સમયમાં દરેક પ્રકારના કામ કરી રહ્યા છે જેમાં નગરને સેનેતાઈઝ કરવાનું હોય કે પછી અન્ય કામ પણ કરી રહ્યા છે ત્યારે આમોદ પાલિકાના સફાઈ કામદારોને બીજી કોઈ સુવિધા મળતી નથી.સફાઈ કામદાર ગરીબ હોય તેમની પાસે દવાના પણ પૈસા ના હોય આમોદ પાલિકા તરફથી મેડિકલ સુવિધા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
જો બે માંગણી નહીં સ્વીકારવામાં આવે તો હડતાળની ચીમકી પણ ઉચ્ચારી હતી.આમોદ પાલિકાના મુખ્ય અધિકારીએ સફાઈ કામદારના પ્રમુખને જણાવ્યું હતું કે સફાઈ કામદારને મેડિકલ સુવિધા આપવાની કોઈ જોગવાઈ પાલિકામાં નથી.