ફીલ્ડ હૉસ્પિટલ કોરોનાના વમળમાંથી બહાર કાઢી શકે છે
નવી દિલ્હી: ભારત હાલ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. હૉસ્પિટલમાં બેડ નથી, ઑક્સિજન અને રેમડેસિવીર ઇન્જેક્શનની પણ અછત છે. અનેક રાજ્યમાં કોરોનાને કારણે અવ્યવસ્થાના સમાચાર મળી રહ્યા છે. આ તમામ વચ્ચે સામાન્ય માણસ ફફડી ગયો છે. કોરોના સામે લડવા માટે હાલ વેક્સીનેસન પણ જાેરશોરથી ચાલુ રહ્યું છે. બીજી તરફ નિષ્ણાતો પણ કોરોનાનું સંક્રમણ કેવી રીતે રોકવું તેના પ્રયાસમાં લાગ્યા છે. મહામારીમાં નિષ્ણાતો પરંપરાગત રસ્તાઓ ઉપરાંત અન્ય ઉપાયો પણ સૂચની રહ્યા છે.
એવામાં કોરોના મહામારીના વમળમાંથી બહાર નીકળવા માટે ફીલ્ડ હૉસ્પિટલોની મહત્ત્વની ભૂમિકા હોઈ શકે છે. કોરોના મહામારી વકરવાને કારણે પહેલેથી જ અન્ય બીમારીથી પીડિત દર્દીઓને ખૂબ તકલીફ પડી રહી છે. બીજી તરફ હૉસ્પિટલમાં જગ્યા ન હોવાથી નવી મુશ્કેલી ઊભી થઈ છે. કારણ કે આવા દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ પહેલાથી જ ઓછી હોય છે. તેઓ પહેલાથી જ કોઈ અન્ય બીમારી સામે લડી રહ્યા હોય છે અને કોરોના બાદ જાે સમયસર સારવાર ન મળે તો વધારે મુશ્કેલ થઈ રહી છે. બે નિષ્ણાતોએ એક લેખ લખ્યો છે.
જેમાં જણાવ્યું છે કે ભારતે હાલ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ફીલ્ડ હૉસ્પિટલોનો રસ્તો અપનાવવો જાેઈએ. આવી હૉસ્પિટલો ઝડપથી ઊભી કરી શકાય છે અને ગંભીર દર્દીઓની મુશ્કેલી ઓછી કરી શકાય છે. યૂએઈ અને મીડલ ઈસ્ટ સહિતના દેશોએ ફીલ્ડ હૉસ્પિટલો બનાવીને કોરોના સામેની લડાઈનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભારતમાં કોરોનાની પ્રથમ લહેર દરમિયાન આવી અસ્થાયી હૉસ્પિટલો બનાવવામાં આવી હતી. જાેકે, મીડલ ઈસ્ટની ફીલ્ડ હૉસ્પિટલોમાં વધારે સુવિધા હતી. આવી વ્યવસ્થિત હૉસ્પિટલો શહેરના બહારના ભાગમાં થોડા સમયમાં તૈયાર કરી શકાય છે. જેનાથી શહેરની અન્ય હૉસ્પિટલો પર ભારણ ઓછું થશે. સાથે જ શહેરમાં સંક્રમણનો ડર પણ ઓછો થશે.
ફીલ્ડ હૉસ્પિટલોનું ઉત્તમ ઉદારણ યૂએઈએ રજૂ કર્યું છે. રિપોર્ટ પ્રમાણે દુબઈ હેલ્થ ઑથોરિટીના ડાયરેક્ટર જનરલ હુમૈદ અલ કુતામીએ એક ટીવી ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, દુબઈમાં બે ફીલ્ડ હૉસ્પિટલ બનાવવામાં આવી હતી. દરેક હૉસ્પિટલમાં ચારથી પાંચ હજાર બેડની વ્યવસ્થા હતી. એટલે કે ફક્ત બે જ હૉસ્પિટલમાં ૧૦ હજાર બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત દુબાઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટરને ત્રણ હજાર બેડની હૉસ્પિટલમાં બદલી દેવાયું હતું. આ દરમિયાન ભારતમાં પણ આવા પ્રયાસો ચાલી રહ્યા છે.
કોરોનાની સારવાર માટે ડીઆરડીઓ તરફથી દિલ્હી અને અમદાવાદ ખાતે હૉસ્પિટલ ઊભી કરવામાં આવી રહી છે. અમદાવાદ ખાતે ૯૦૦ બેડની હૉસ્પિટલ ઊભી કરવામાં આવી રહી છે. દિલ્હીમાં પણ આવી એક હૉસ્પિટલ ઊભી કરવામાં આવી રહી છે. આ સાથે જ રક્ષા મંત્રાલયે લખનઉમાં આવી બે અસ્થાયી હૉસ્પિટલ ઊભી કરવાનો આદેશ કર્યો છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે કોરોનાની બીજી લહેર એટલી પ્રચંડ છે કે ફીલ્ડ હૉસ્પિટલોની વધારે જરૂર છે. સામાન્ય હૉસ્પિટલો પર ઊભા થયેલા ભારણને ફિલ્ડ હૉસ્પિટલોથી ઘટાડી શકાય છે. આવું કરીને મોટી સંખ્યામાં લોકોનો જીવ પણ બચાવી શકાય છે.