Western Times News

Gujarati News

રેમડેસિવિરની શીશીમાં પાણી ભરીને ૨૮૦૦૦માં વેચતા

Files Photo

નાગપુર: કોરોના મહામારી વચ્ચે જે દર્દીઓનું ઑક્સીજન સ્તર ખૂબ ઓછું થઈ જાય છે તેમને ડૉક્ટરો તરફથી રેમડેસિવીર ઇન્જેક્શન આપવામાં આવે છે. દર્દીને રેમડેસિવીર ઇન્જેક્શનના છ ડોઝ આપવાના હોય છે. હાલ દેશના અનેક વિસ્તારોમાં કોરોનાને કેસ વધતા આ ઇન્જેક્શનની અછત ઊભી થઈ છે. ઈન્જેક્શનો લેવા માટે હૉસ્પિટલો બહાર લાંબી લાંબી લાઇનો લાગી રહી છે.

આ જ કારણે રેમડેસિવીર ઇન્જેક્શનના કાળા બજારના સમાચાર પણ સામે આવી રહ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં બે લોકો રેમડેસિવીર ઇન્જેક્શનની શીશીમાં પાણી ભરીને તેને વેચવા જતા ઝડપાયા છે. પોલીસ માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના નાગપુરના સક્કરદારા વિસ્તારમાંથી બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જેઓ રેમડેસિવીરની બે શીશીમાં પાણી ભરીને તેને ૨૮ હજાર રૂપિયામાં વેચી રહ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે ૨૮ વર્ષીય અભિલાષ પેટકર અને ૨૧ વર્ષીય અનિકેત નંદેશ્વર એક્સ-રે ટેક્નિશિયન તરીકે કામ કરી રહ્યા હતા. તેમણે એક વ્યક્તિને રેમડેસિવીર ઇન્જેક્શનના બે ડોઝ આપ્યા હતા.

આ માટે પહેલા બંનેએ ૪૦ હજાર રૂપિયા માંગ્યા હતા, જે બાદમાં ૨૮ હજાર રૂપિયામાં વાત નક્કી થઈ હતી. ઇન્જેક્શન ખરીદનાર વ્યક્તિના કોઈ સંબંધીને હૉસ્પિટલમાં ખસેડાયા હતા, તેમની સારવાર માટે રેમડેસિવીર ઇન્જેક્શનની જરૂર હતી. સક્કરદારા પોલીસ સ્ટેશનના જણાવ્યા પ્રમાણે દર્દીના સગાને બંને ઇન્જેક્શન અંગે કોઈ શંકા પડી હતી. જે બાદમાં તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો. જે બાદમાં પોલીસે ટ્રેપ ગોઠવીને બંનેની ધરપકડ કરી લીધી હતી. બંનેની ધરપકડ બાદ બંનેના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બંનેએ બીજા કોઈ વ્યક્તિઓને પણ આવી રીતે બોગસ ઇન્જેક્શન વેંચ્યા છે કે નહીં તેની પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના વાયરસના ૬૨,૦૯૭ નવા કેસ નોંધાયા છે.

જે બાદમાં રાજ્યમાં કુલ કેસની સંખ્યા ૩૯,૬૦,૩૫૯ થઈ છે. ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં કુલ ૫૧૯ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. મુંબઈમાં મંગળવારે કોરોના વાયરસના નવા ૭,૧૯૨ કેસ નોંધાયા હતા અને ૩૪ દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. આ સાથે જ મુંબઈમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા ૫,૯૪,૦૫૯ પર પહોંચી છે. મુંબઈમાં અત્યારસુધી કોરોનાથી ૧૨,૪૪૬ લોકોનાં મોત થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.