આદર્શ સ્મૃતિ સ્થાન : વિવેકાનંદ શિલા સ્મારક
સ્વામી વિવેકાનંદજીની જન્મ શતાબ્દી દેશ અને દુનિયા ઊજવી રહ્યાં હતા ત્યારે ભારતના દક્ષિણ છેડે સમુદ્ર મધ્યે આવેલ શ્રીપાદ શિલા કે જેના પર સ્વામી વિવેકાનંદજીએ ત્રણ રાત દિવસ ભારત માતાનું ધ્યાન ધર્યું અને પોતાના જીવન ધ્યેય સાથે ધ્યાનમાંથી ઊઠેલા વિવેકાનંદજીએ હિન્દુ સંસ્કૃતિનો વૈશ્વિક જય જયકાર કર્યો. એ ભારત-ભાગ્ય-પરિવર્તનકારી ઐતિહાસિક ઘટનાનું સ્મરણ ભારતીયોને નિરંતર પ્રેરણા આપતું રહે માટે શ્રીપાદ શિલા પર સ્મારક બનાવાનું વિચારાયું. યોજનાનો સ્થાનિક કેથોલિક ઈસાઈઓના એક સમૂહે વિરોધ કર્યો. ટકરાવની સ્થિતિ નિર્માણ થઈ.
સાંપ્રદાયિક તણાવ ઊભો થયો. સ્થાનિક સ્તરે કટ્ટરપંથીઓના વિરોધ ઉપરાંત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીએ ઈસાઈઓના હવનમાં હાડકા નાખવા માટે જે ખોટો દાવો કર્યો હતો કે આ શિલા પર સેટ જેવિયર આવ્યા હતા એથી ત્યાં ક્રોસ હોવો જોઈએ તેને તો નકાર્યો પણ સાથોસાથ રાજનૈતિક કારણોથી કહ્યું કે શિલા પર સ્મારક નિર્માણની અનુમતિ નહીં આપુ. એવામાં પૂર્વ તત્કાલીન કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી હુમાયુ કબીરે એમ કહીને વિરોધ દર્શાવ્યો કે શિલા પર કોઈ નિર્ણાક કાર્ય થશે તો ત્યાંના કુદરતી સૌંદર્યને હાનિ પહોંચશે.
આવી ત્રિવિધ સંવેદનશીલ અને મોટી બાધા હોવાથી સ્મારક નિર્માણની આશા કોઈ નહિ. પણ દૃઢ નિશ્ચયી એકનાથજી રાનડેએ રાષ્ટ્રીય સ્મારક રૂપે વિવેકાનંદ શિલા સ્મારકનું ભવ્ય, દિવ્ય નિર્માણ સંપન્ન કર્યું. આ આખીય વાત સકારાત્મકતાની શક્તિની છે, પવિત્ર-ધ્યેય, ઉદાત્ત-સમર્પણ , કઠોર-પરિશ્રમ અને અનુપમ સંગઠન કૌશલ્યની છે. આગામી વર્ષે વિવેકાનંદ શિલા સ્મારકને પચાસ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે આપણે સૌ તેની સાથે જોડાયેલી પ્રેરક વાતો ઘેર-ઘેર લઈ જઈએ.
સ્મારક નિર્માણ પછી શું? આ પ્રશ્ન સ્મારક નિર્માણમાં ઉત્સાહથી ભાગ લેતા અનેકોને થતો નથી કેમ કે પછી તો પૂજા-અર્ચના-ઉત્સવ એ હોય જ ને! અને એતો આપણો ધાર્મિક સમાજ ઉપાડી લે આવી સીધી સાદી સમજ છે આપણી પણ એકનાથજી રાનડે આપણી વચ્ચે જ વસેલા અલગ માટીના માણસ હતા. તેમનું ઘડતર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં થયું હતું. આથી બધી જ બાધા પાર થયા પછી સ્મારક નિર્માણની અનુમતિ પણ મળી ગઈ. ત્યારે તેમના મનોભાવ કેવા હતા એ એમના જ શબ્દોમાં “મને એ વાતથી સંતોષ થયો કે કોઈ સકારાત્મક કાર્ય થઈ શક્યું. પરંતુ સ્મારકના કાર્યમાં કેટલાંય વર્ષો સુધી વ્યસ્ત રહેવું પડશે એ વિચારીને મને ખરાબ લાગ્યું. મારે આ કાર્યમાં જોડાવું પડશે એવું મારી જીવન યોજનામાં ક્યારેય વિચાર્યું નહોતું. મને તો લોકોને મળવુ. તેમને સંગઠિત કરવા, ગતિમાન કરવા આ બધું ગમતું હતું. પથ્થર પર પથ્થર મૂકવાનું નિર્જીવ કામ કરવું મારો સ્વભાવ નહોતો. આથી હું ભયભીત થઈ ગયો પરંતુ બીજો કોઈ રસ્તો હતો નહીં.
મેં સૂચિત યોજનાને ચતુરાઈથી નિષ્પાદિત કરવાની વાત વિચારી જેથી નિર્માણકાર્યના સમયગાળામાં હું મારી જાતને ફળદાયી ગતિવિધિઓમાં વ્યસ્ત રાખી શકું. આ વ્યસ્તતા માત્ર ધન અને સમય ખર્ચીને તથા પથ્થર એકત્રિત કરીને સ્મારક બનાવવું હોય એની બરાબર નથી. ધન દાન માંગતી વખતે લોકોને સ્મારકનું ઔચિત્ય ગળે કેમ ઉતારવું? સ્વામીજીની સ્મરણાંજલિમાં માત્ર નિર્જીવ ઢાંચો પર્યાપ્ત કેમ હોઈ શકે? આવા વિચારો મારા મનમાં ઊઠ્યા અને એ લાગ્યુ કે કાયમી લોકકલ્યાણનાં કાર્યો થાય. રાષ્ટ્રોત્થાન નો મંત્ર ગુંજતો રહે એવું કંઈક થવું જોઈએ તો જ આ સ્મારકની સાર્થકતા રહેશે.
નિર્માણબાદ દ્વિતીય ચરણ રૂપે માનનીય એકનાથજીએ સ્વામી રંગનાથાનંદજી, ડૉ. રાધાકૃષ્ણન, શ્રી જયપ્રકાશ નારાયણ સહિત અનેક મહાનુભાવો સાથે સંવાદ સાધ્યો અને જીવંત સ્મારક વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારી રૂપે એક સંગઠનના સ્વરૂપ ને નિશ્ચિત કર્યું. યુવા ભાઈઓ બહેનો જે પોતાનું સમ્રગ જીવન અથવા જીવનનાં અમુક વર્ષો રાષ્ટ્ર સેવા માટે સમર્પિત કરે અને ‘જીવનવ્રતી’ તથા ‘સેવાવ્રતી’ તરીકે નિ:સ્વાર્થ ભાવે અલગ-અલગ સ્થાનો પર કેળવણી આરોગ્ય, ગ્રામિણ વિકાસ, નૈસર્ગિક ઊર્જા સંવર્ધન, સદ્ સાહિત્ય તથા સદ્ પ્રવૃતિ વિસ્તારનાં કાર્યો સ્થાનિક કાર્યકર્તા અને જનતાના સહયોગથી ચલાવો.
માન. એકનાથજી જ્યારે ધન સંગ્રહના કાર્યમાં લાગ્યા તો તેમણે રૂ. 1 થી 10 ના કુપન બનાવ્યાં જેથી સામાન્ય માનવી પણ એવો ભાવ ધારણ કરી શકે કે આ કાર્યમાં મારું યોગદાન છે. જનસંપર્ક લોક પ્રબોધન સાથે સાથે કર્યું એટલે જ સ્મારક “વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારી” 1972માં રાષ્ટ્રને સમર્પિત થયું. 2022માં આ અખંડ રાષ્ટ્ર યજ્ઞનાં પચાસ વર્ષ પૂરાં થઈ રહ્યા છે એ દરેક ભારતીય માટે ઉત્સવનો અવસર છે.
માનનીય એકનાથજી ધન એકત્રીકરણના પ્રારંભિક તબક્કે શ્રી જુગલકિશોર બિરલાજીને પૂર્વ પરિચય હોવાથી મોટી આશાએ મળવા ગયેલા. શ્રી જુગલકિશોરજીએ શાંતિથી સ્મારક યોજનાની વાત એકનાથજીના મુખે વિસ્તારથી સાંભળી અને પછી કહ્યું. આપે આ કાર્ય હાથમાં જ શા માટે લીધું? આજ સુધી તમે હિન્દુ સંગઠન માટે શાખાઓ સ્થાપિત કરવાનું જે કાર્ય કરી રહ્યા હતા તે ખરેખર પ્રશંસનીય છે. આજ સુધી એ બાબતે આપે અદભુત કાર્ય કર્યું છે, હવે તમને થઈ શું ગયું છે? સામાજિક સંસ્થાઓ દ્વારા સ્મારક બનાવવામાં આવતાં નથી, આ ભૂલભરેલ પગલું તમારે નહોતું ઉઠાવવું.
એકનાથજી જેટલી ધનરાશિની અપેક્ષા એ એમને મળેલા, એ શ્રી બિરલાજી માટે ખૂબ નાની રકમ હતી. પણ મોટા નામ સાથે મોટી રકમ જોઈ-બાકી દાનદાતા પણ સારી રકમ આપે અને કામ આગળ વધે એ વાતને ઝટકો લાગ્યો જ્યારે શ્રી જુગલ કિશોરજીએ માત્ર દસ ટકા રકમ આપવા તૈયારી બતાવી.
જો કે એકનાથજીએ સંપર્ક શરૂ રાખ્યો. શ્રી બી.એમ.બિરલાજીને પણ મળ્યા. અને રકમ મેળવ્યે પાર કર્યો. વાસ્તવમાં બિરલા પરિવારની વાત હોય કે આધ્યત્મિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય ક્ષેત્રના મહાનુભાવોની વાત હોય એ સૌને “માનવ સેવા એ જ માધવ સેવા”ની વિવેકાનંદજીએ કરેલ હાકલમાં શ્રદ્ધા હતી અને એટલે જ જ્યારે તેઓને વિશ્વાસ બંધાયો કે વિવકાનંદ શિલા સ્મારકના નિર્માણ બાદ કાર્ય થંભી જવાનું નથી, એક નવું એક વધારે સ્મારક જ માત્ર દેશ સમાજને મળવાનું નથી. પણ ત્યાંથી સેવાની સરવાણી ફૂટવાની છે ને આખાય રાષ્ટ્રને સેવાભાવથી રાષ્ટ્રભાવનાથી તરબતર કરવાનું છે ત્યારે સૌએ ઉત્સાહથી આગળ વધીને મદદ કરી છે.
હવે કદાચ વધારે મંદિરો ન બંધાય તો ચાલશે. જે મંદિરો વિદ્યમાન છે તેની પવિત્રતા જળવાય, ત્યાંથી સમાજને જોડનારી, સમરસ બનાવનારી પ્રવૃત્તિઓ પ્રારંભાય એ વિશેષ આવશ્યક છે. – પ્રા.ડૉ. વંદના જી. ત્રિવેદી ગુજરાત કોમર્સ કોલેજ, અમદાવાદ