મણીનગરમાં ઢોર પકડનાર કર્મચારી ર૦ હજારની લાંચ લેતાં પકડાયો
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં રખડતાં ઢોરોનો ત્રાસ વધી જતાં કોર્પોરેશનના કેટલ ન્યુસંસ કંટ્રોલ વિભાગ દ્વારા આવા ઢોરોને પકડીને માલિકો પાસે દંડનીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે હાલમાં આ વિભાગના એક અધિકારીએ ઢોર નહી પકડવા ર૦ હજારની માંગણી કરતા માલધારીએ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરતા તેમણે કર્મચારીને રંગેહાથ ઝડપી લીધો છે.
આ ગુનાની વિગત એવી છે કે શહેરમાં રખડતા ઢોરોના કારણે ક્યારેક અકસ્માત સર્જાતા હોય છે ઉપરાંત અન્ય લોકો માટે પણ પરેશાની સર્જતા હોય છે જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કેટલ ન્યુસંસ કંટ્રોલની ટીમ દ્વારા રસ્તે રખડતાં ઢોરોને પકડીને કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જાેકે મણીનગરમાં ફરજ બજાવતી ટીમના કર્મચારીએ ઢોરને નહી પકડવાના હપ્તા પેટે માલિક પાસે ર૦ હજાર રૂપિયાની માંગણી કરી હતી
જેને પગલે માલિકે એસીબીમાં ફરીયાદ નોંધાવતા છટકું ગોઠવીને આરોપી કર્મચારી સેમસંગ વી. દેસાઈને ઈશ્વરનગર, એએમટીએસ બસ સ્ટોપ પાસે મણીનગર ખાતે બોલાવ્યો હતો અને લાંચ સ્વીકારતાં જ મહીલા પીઆઈ રીધ્ધી દવે એ તેમની ટીમ સાથે સેમસંગને ઝડપી લીધો હતો અને તેના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.