Western Times News

Gujarati News

ગુજરાતમાં દર કલાકે કોરોનાથી ૫નાં મોત અને ૫૦૯ નવા કેસ

Files Photo

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાની મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. રાજ્યભરની હોસ્પિટલમાં બેડની અછતની સાથે ઓક્સિજન અને દવાઓની પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે. દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ગઇકાલે જ ૧૨૨૦૬ કેસ અને ૧૨૧નાં મોત નોંધાયાં હતાં, જેની ગંભીરતા જાેવામાં આવે તો ગુજરાતમાં દર કલાકે પાંચ વ્યક્તિનાં મોત કોરોનાને કારણે થઈ રહ્યાં છે તો પ્રતિ કલાક ૫૦૯ નવા દર્દી સંક્રમિત થઈ રહ્યા છે.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા છેલ્લા ૨૪ કલાકના આંકડા મુજબ, ૧૨૨૦૬ નવા કેસ નોંધાયા છે અને ૧૨૧ માનવમૃત્યુ થયાં છે. રાજ્યની ખાનગી અને સરકારી હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી હાઉસફુલ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકથી ૩૫૩ દર્દી વેન્ટિલેટર હોવાનું જાહેર કરવામાં આવી રહ્યું છે. હાલ રાજ્યમાં ૭૬,૫૦૦ એક્ટિવ કેસ છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં દૈનિક ૬૫ ટકા દર્દીઓનો વધારો નોંધાઈ રહ્યો છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં ૪૬૬૧ અને ગ્રામ્ય વિસ્તારમાં ૬૦ સાથે અત્યારસુધીના સૌથી વધુ ૪૭૨૧ નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં કુલ કેસનો આંકડો ૧,૧૧,૧૫૬ને પાર થઈ ચૂક્યો છે. સુરત મહાનગરમાં પણ સ્થિતિ એવી છે. ગઈકાલે ૧૫૫૩ કેસ શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૭૫ કેસ સાથે ૧૯૨૮ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં ૭૬૪ ગ્રામ્ય વિસ્તારમાં ૮૬ કેસ મળીને ૮૫૦ કેસ થયા છે. વડોદરા શહેરમાં ૪૬૦ અને ગ્રામ્ય વિસ્તારોમાં ૧૬૫ મળીને ૬૨૫ નવા કેસ છેલ્લા ૨૪ કલાકમાં બહાર આવ્યા છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાં ૨૫, અમદાવાદમાં ૨૩ ,વડોદરા ૧૩ , રાજકોટમાં૧૨, જામનગરમાં ૬, ગાંધીનગરમાં ૪, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચમાં ૩ -૩, અરવલ્લી, બોટાદ, દાહોદ, દેવભૂમિ-દ્વારકા, મહેસાણા, પાટણમાં ૨-૨, અમરેલી, ખેડા, મહીસાગર અને પંચમહાલમાં એક -એક કોરોનાથી મૃત્યુ થયાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.