વડોદરાની એ.કે. ઇન્ડસ્ટ્રીઝમાં રૂ.૫૦ લાખનું શંકાસ્પદ ડુપ્લિકેટ સેનિટાઈઝર ઝડપાયું
વડોદરા: કોરોના મહામારીમાં મેડિકલ કેમિકલ માફીયાઓએ ઉઘાડી લૂંટ શરૂ કરી દીધી છે. કોરોના કાળમાં મેડિકલ માફિયાઓ ડુપ્લિકેટ ઇન્જેક્શન, સેનિટાઈઝર જેવી ચીજ વસ્તુઓ વેચીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે. આજે વડોદરાના ગોરવા બીઆઇડીસી સ્થિત એ.કે. ઇન્ડસ્ટ્રીઝમાં શહેર પોલીસે દરોડો પાડી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા શંકાસ્પદ ડુપ્લિકેટ સેનિટાઈઝરનો વિપુલ જથ્થો સીઝ કરતા ખળભળાટ મચી ગયો છે.
વડોદરા શહેર પોલીસ તંત્રની પી.સી.બી. શાખાના પી.આઈ જે. જે. પટેલને માહિતી મળી હતી કે ગોરવા એ. કે. ઈન્ડસ્ટ્રીઝમાં લાઇફ કેરના નામે ડુપ્લિકેટ સેનિટાઈઝરનુ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે અને આ સેનિટાઈઝર હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે તેઓએ સ્ટાફને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. પી.સી.બી. શાખાએ દરોડો પાડતા જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ ચોંકી ઉઠ્યા હતા.
પોલીસે સેનેટાઈઝરનુ ઉત્પાદન કરતી કંપનીના સંચાલકો દ્વારા આ સેનિટાઈઝર ડુપ્લિકેટ છે કે નહીં તેની તપાસ માટે એફ.એસ.એલ ટીમની પણ મદદ લીધી હતી. એફ.એસ.એલ ટીમે કંપનીમાંથી સેનિટાઈઝર લિક્વિડના નમૂના લઇ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપ્યા હતા. પોલીસે એ. કે. ઈન્ડસ્ટ્રીઝમાં પડેલો સેનિટાઈઝરનો આશરે ૫૦ લાખ રૂપિયાથી વધુનો જથ્થો સીઝ કરી દીધો છે. આ અંગે ગોરવા પોલીસે જાણવાજાેગ નોંધ લીધી છે.
પી.સી.બી શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે, એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. સેનિટાઈઝરનો આ જથ્થો ડુપ્લિકેટ હશે તો કંપનીના સંચાલકો સામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં કોરોનાની મહામારી દરમિયાન સેનિટાઈઝરની માગમાં જબરજસ્ત વધારો થયો છે. કોરોનાથી ડરતા અને બચવા માટે લોકો મેડિકલ સ્ટોરમાં વેચાતા સેનિટાઈઝર મેડિકલ સ્ટોરના સંચાલક વિશ્વાસ ઉપર લઈ જાય છે.
તેનો વારંવાર ઉપયોગ કરતા હોય છે, ત્યારે મેડિકલ માફિયાઓ દ્વારા કોરોનાની દહેશત વચ્ચે જીવતા લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી સેનિટાઈઝર જેવી ચીજ વસ્તુઓ પણ ડુપ્લિકેટ બનાવીને નાણા રડવાનો ખેલ ખેલી રહ્યા છે અને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા છે. આજે પી.સી.બી. શાખાએ શંકાસ્પદ ડુપ્લિકેટ સેનેટાઇઝનો જથ્થો ઝડપી પાડતા મેડિકલ ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે.