સિવિલ બહાર એમ્બ્યુલન્સમાં જ દર્દીની સારવાર શરુ કરાઈ
અમદાવાદ: કોરોનાની બીજી લહેરે લોકોને હંફાવી દીધા છે. આવામાં ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓની હાલત બગડતી સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવેલા દર્દીઓએ આગળના દર્દીઓની દાખલની વિધિ પૂર્ણ ના થાય ત્યાં સુધી એમ્બ્યુલન્સમાં જ બેસી રહેવું પડે છે આવામાં ઘણાંની તબિયત લથડી જવાની ઘટના બનતી હતી. હવે સિવિલ હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સમાં જ દર્દીની પ્રાથમિક સારવાર શરુ કરી દેવાનો ર્નિણય લેવાયો છે.
હોસ્પિટલ આવેલા દર્દીઓને ઓક્સિજનની જરુર પડે તો તેના માટેની વ્યવસ્થા એમ્બ્યુલન્સમાં જ કરીને ટ્રીટમેન્ટ ઓફ વ્હીલ્સ’નો અભિગમ અપનાવવામાં આવ્યો છે. એટલે દર્દીને ઈમર્જન્સીમાં એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવાનું શરુ કરી દેવાશે. સિવિલમાં ૧૨૦૦ બેડમાં દાખલ થવા માટે આવતા દર્દીઓને વેઈટિંગ દરમિયાન જ સારવાર મળવાનું શરુ થાય તે માટે સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જેવી મોદી દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે.
આ જવાબદારી સંભાળનારા નર્સ દિપાલી જાદવે સ્થાનિક અખબાર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, હું ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ફરજ બજાવું છું. કોરોનાની હાલની સ્થિતિને જાેતા મને કોરોનાના દર્દીઓની સ્વાસ્થ્યને લગતી પ્રાથમિક સારવાર આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ દરમિયાન દર્દીની ઓક્સિજનથી લઈને ડીહાઈડ્રેશન સહિતની બાબતનું ધ્યાન રાખવામાં આવે છે.
સાથે જ એન્ટીબાયોટિક પણ આપવાની જરુર જણાય તો તે આપવામાં આવે છે. સુપ્રિટેન્ડન્ટ મોદીકહે છે કે, હાલની સ્થિતિમાં વાયરસ વધારે ઘાતક બન્યો છે ત્યારે દર્દીઓમાં ઓક્સિજનની જરુરિયાત વધી છે. આવામાં દર્દીઓને હાલાકી ભોગવવી ના પડે તે માટે તેમને એમ્બ્યુલન્સમાં જ સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.” સિવિલ દ્વારા આ પ્રકારે કોરોનાના દર્દીઓની ખાટલો મળે તે પહેલાથી જ સારવાર શરુ કરવાના અભિગમની પ્રશંસા પણ થઈ રહી છે.