Western Times News

Gujarati News

લગ્નપ્રસંગોમાં ૫૦ વ્યક્તિ સહિતના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના

કોરોના સંક્રમણના દોરમાં નિયભો ભંગ કરનાર વિરૂંદ્ધ સખત પગલા લેવાનું જણાવતા પોલીસ વડા શ્રી હિતેશ જોયસર

સોશ્યિલ મીડિયા પર અફવાઓ ફેલાવનારની સામે કડક કાયદેસર કાર્યવાહી કરાશે

દાહોદ, જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે જણાવ્યું છે કે કોરોના સંક્રમણને કારણે મેડીકલ ઇર્મજન્સી જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે કોઇ પણ નાગરિક દ્વારા કોરોના સાવચેતીના નિયમોનું પાલન નહિ થાય તો તેમની વિરૂંદ્ધ કડક પગલા લેવામાં આવશે.

લગ્નપ્રસંગમાં ૫૦ વ્યક્તિ સહિતના નિયમોનું પણ કડક પાલન થાય તે માટે તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા કે અન્ય કોઇ પણ માધ્યમથી ખોટી અફવાઓ ફેલાવનાર સામે પણ દંડનીય કાર્યવાહી કરાશે. આવી માહિતી ફક્ત અધિકૃત વ્યક્તિ જ આપી શકશે.

જિલ્લા પોલીસ વડા શ્રી જોયસરે જણાવ્યું કે, સરકારે લગ્ન સમારંભમાં ૫૦ ની સંખ્યા નિર્ધારિત કરવામાં આવી છે. તેનું સૌએ ચુસ્ત પાલન કરવાનું છે. માસ્ક ફરજીયાત પહેરેલું હોવું જોઇએ અને સામાજિક અંતર પણ જાળવવાનું છે. લગ્ન એક લાગણીસભર પ્રસંગ છે તમામને ઉમંગ હોય એ સ્વભાવિક છે.

પરંતુ જિલ્લાની પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને જોતા સરકારની આ માર્ગદર્શીકાનું ચુસ્ત પાલન કરવું જ રહ્યું. આ નિયમોનું પાલન થાય છે કે કેમ તેનું નિરીક્ષણ કરવા પોલીસ ટીમ દ્વારા આવા પ્રસંગ સ્થળે વિઝિટ કરવામાં આવશે અને નિયમોનું ઉલ્લધંન કરનાર વિરૂંદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોના અધિકારીઓ અને ડીવાયએસપીને સૂચના આપવામાં આવી છે કે સરકાર દ્વારા નિયત કરવામાં આવેલી લગ્નની માર્ગદર્શીકાનું ઉલ્લધંન જે પણ કરશે તેના વિરૂંદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે મોટી સંખ્યામાં લગ્નો યોજાઇ રહ્યાં છે

ત્યારે નિયમોનું પાલન નહી થાય અને સંક્રમણ ફેલાશે તો સૌથી મોટું જોખમ જેના ઘરે અવસર છે તેના ઘરે જ છે. આ અપીલને ગંભીરતાથી લેવા જણાવું છું. છેલ્લા ૧૯ દિવસમાં કોરોના બાબતના નિયમોનાં ભંગ કરનારાઓને રૂ. ૨૪ લાખ જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે.

જિલ્લામાં ડીજે ઉપર પણ જે પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે તેનું પણ કડક પાલન થાય તે જોવામાં આવશે. છેલ્લા પાંચ દિવસમાં જ ૨૮ ડીજે જપ્ત કરવામાં આવ્યા છે અને નિયમોનું પાલન ન કરનારને બક્ષવામાં નહી આવે. આ એપ્રીલ મહિનામાં જ દાહોદ જિલ્લા પોલીસે ૪૪૦ થી વધુ જાહેરનામા ભંગના ગુના નોંધી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-એપિડેમિક એક્ટ અંતર્ગત કેસો કરી ૫૦૦ થી વધુ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

આ અંગે પોલીસ દ્વારા કોઇ પણ પ્રકારની ઢીલાશ નહીં રાખવામાં આવે, કડક કાર્યવાહી કરવામાં આવશે. માટે સાશિયલ ડિસ્ટન્શ-માસ્ક સહિતના નિયમોનું ચુસ્ત પાલન કરવું.

વેપારી વર્ગને મારી ખાસ અપીલ છે. દુકાનમાં ત્રણથી ચાર ગ્રાહક જ ઊભા રહે. બાકીના ગ્રાહકોને બહાર સામાજિક અંતરના નિયમો સાથે ઊભા રાખે. કોરોના સંક્રમણને અટકાવવા માટે સામાજિક અંતર જાળવવું અને માસ્ક પહેરવું અતિ આવશ્યક છે. લગ્ન કે અન્ય કોઇ પણ પ્રસંગમાં ૫૦ કે તેથી વધુ વ્યક્તિ એકઠા ન થાય તેનું ધ્યાન રાખવાનું છે. આ અંગે જિલ્લા પોલીસ દ્વારા ઝુંબેશ સ્વરૂપે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લામાં આરોગ્યકર્મી કે પોલીસકર્મી દ્વારા કરવામાં આવતી કાર્યવાહીમાં કોઇ પણ દખલઅંદાજી કે તેમની સાથે ઘર્ષણમાં ઉતરનાર સામે પણ પોલીસ દ્વારા સખત પગલા લેવામાં આવશે. કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે જિલ્લાના સરકારી કર્મચારીઓ દ્વારા થઇ રહેલી કામગીરીમાં નાગરિકો સહકાર આપે તે જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.